ગીર સોમનાથ:  ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. ચૂંટણીને લઈ તમામ પક્ષો અત્યારથી પ્રચાર  પ્રસાર કરી રહ્યા છે.   આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ તથા ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા હાલમાં ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેમણે સોમનાથ મંદિરમાં  દર્શન કર્યા હતા.   રાઘવ ચઢ્ઢાએ સોમનાથ મંદિરની આરતીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમની સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ યૂથ પ્રમુખ પ્રવીણ રામ પણ સાથે રહ્યા હતા. 


પ્રથમ જ્યોતિર્લિંગ  સોમનાથના દર્શન બાદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું, મહાદેવના દર્શન કરવાનો  અવસર મળ્યો એ મારા માટે સૌભાગ્યની વાત છે. વધુમાં તેમણે કહ્યું, કે ભ્રષ્ટ ભાજપની સામે અમને લડવાની શક્તિ આપવા માટે મેં શિવજીને પ્રાર્થના કરી છે.  દિવાળી નજીક છે ભગવાન રામે રાવણ પર જીત મેળવી હતી, એજ જ રીતે ‘આમ આદમી પાર્ટી’ પણ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પર જીત મેળવે તેવી ભગવાન શિવને પ્રાર્થના કરી છે. 


રાઘવ ચઢ્ઢાએ કહ્યું,  ગુજરાતની સમૃદ્ધિ માટે, દેશની સમૃદ્ધિ માટે, દેશના દરેક પરિવારની ખુશી માટે, દરેક નાગરિકના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે. અમને લોકો તરફથી સારો પ્રતિભાવ મળી રહ્યો છે લોકો કહી રહ્યા છે કે ‘હવે પરિવર્તન આવશે’. રાઘવ ચઢ્ઢાએ સોમનાથ મંદિરના મહંતને મળીને ગુજરાત અને દેશના વિકાસ માટે આશીર્વાદ લીધા.


આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ તથા ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા 4 દિવસ ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ભાવનગર, અમરેલીનું ધારી, જૂનાગઢના કેશોદમાં પદયાત્રા કરી હતી અને વિશાળ જનસભાને પણ સંબોધન કર્યું હતું.  આજે રાઘવ ચઢ્ઢાએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.  રાઘવ ચઢ્ઢા સોમનાથ મંદિરનાં મહંતને પણ મળ્યા હતા અને ગુજરાત અને દેશના વિકાસ માટે મહંત પાસેથી આશીર્વાદ લીધા હતા.