AAP Gujarat leadership: આમ આદમી પાર્ટી (AAP)એ ગુજરાતમાં પોતાની સંગઠનાત્મક ગતિવિધિઓ તેજ કરી દીધી છે. પાર્ટીએ ગુજરાતના પ્રદેશ પ્રભારી તરીકે આમ આદમી પાર્ટીના પૂર્વ મંત્રી ગોપાલ રાયની નિયુક્તિ કરી છે. આ સાથે જ દુર્ગેશ પાઠકને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ જાહેરાત આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી હતી.
ઈસુદાન ગઢવીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પાર્ટીએ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને વર્ષ 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તૈયારીઓના ભાગરૂપે ગોપાલ રાયજીને ગુજરાતના પ્રભારી અને દુર્ગેશ પાઠકજીને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગોપાલ રાયના રાજકીય અનુભવ વિશે વાત કરતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગોપાલ રાયજી વિદ્યાર્થી જીવન દરમિયાનથી જ રાજકારણ સાથે જોડાયેલા છે અને આમ આદમી પાર્ટીના સંગઠનમાં તેમની ખૂબ જ મજબૂત પકડ છે. તેમના અનુભવનો લાભ ગુજરાતમાં પાર્ટીને મળશે.
દુર્ગેશ પાઠકની નિયુક્તિ અંગે ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે દુર્ગેશ પાઠકજીએ પણ પાર્ટીના સંગઠનમાં માઈક્રો લેવલ સુધી ખૂબ જ મહત્વપૂર્ણ કામ કર્યું છે અને તેમની આગેવાની હેઠળ પાર્ટીએ અનેક ચૂંટણીઓ પણ લડી છે. તેમનો અનુભવ પણ ગુજરાતના કાર્યકરો માટે ઉપયોગી સાબિત થશે.
ઈસુદાન ગઢવીએ ગુજરાતના નવનિયુક્ત પ્રભારી અને સહ-પ્રભારીને આમ આદમી પાર્ટી ગુજરાતની ટીમ તરફથી આવકાર આપ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ નવી નિયુક્તિઓ બાદ ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં નવી ઉર્જાનો સંચાર થયો છે અને તેઓ આગામી ચૂંટણીઓમાં વધુ જોશ સાથે કામ કરશે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું સંગઠન મજબૂત કરવા અને આગામી ચૂંટણીઓમાં સારો દેખાવ કરવા માટે સક્રિય બની છે.
નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીએ દિલ્હીના અધ્યક્ષ તરીકે સૌરભ ભારદ્વાજની નિમણૂક કરી છે. આ ઉપરાંત, મનીષ સિસોદિયાને પંજાબના પ્રભારી અને ગોપાલ રાયને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ ગોવા, છત્તીસગઢ અને જમ્મુ-કાશ્મીર માટે પણ પ્રભારીઓની નિમણૂક કરી છે.
ગુજરાત: ગોપાલ રાય પ્રભારી અને દુર્ગેશ પાઠક સહ-પ્રભારી.
પંજાબ: મનીષ સિસોદિયા પ્રભારી અને સત્યેન્દ્ર જૈન સહ-પ્રભારી.
ગોવા: પંકજ ગુપ્તા પ્રભારી અને દીપક સિંગલા, આભાષ ચંદેલા અને અંકુશ નારંગ સહ-પ્રભારી.
છત્તીસગઢ: સંદીપ પાઠક પ્રભારી.
જમ્મુ-કાશ્મીર: મેહરાજ મલિક અધ્યક્ષ.