Gujarat Election ABP C-Voter Survey: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.  કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ ગુજરાત ચૂંટણીના પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. રાહુલ ગાંધીએ 21 નવેમ્બરે પાર્ટી માટે ચૂંટણી પ્રચારની કમાન સંભાળી હતી અને રાજ્યમાં તેમની પ્રથમ ચૂંટણી રેલી યોજી હતી. આ દરમિયાન કોંગ્રેસના નેતાએ આદિવાસીઓના મુદ્દે ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું. પરંતુ શું રાહુલના પ્રચારથી ગુજરાતનો પવન બદલાશે. આ અંગે C-Voter એ abp ન્યૂઝ માટે સાપ્તાહિક સર્વે હાથ ધર્યો છે.


આજનો સાપ્તાહિક સર્વે છેલ્લો સાપ્તાહિક સર્વે છે કારણ કે પ્રથમ તબક્કાની ચૂંટણી 1લી ડિસેમ્બરે છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ માટે 29મી નવેમ્બરે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. આ સર્વેમાં 1 હજાર 889 લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે. આ સર્વે બુધવારથી શુક્રવાર દરમિયાન કરવામાં આવ્યો છે. સર્વેમાં ભૂલનું માર્જિન પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.


સર્વેમાં મળ્યો આ જવાબ


સી-વોટરના સર્વેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું રાહુલ ગાંધીના પ્રચારથી ગુજરાતમાં માહોલ બદલાશે ? આ પ્રશ્નના પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક રહ્યા છે. સર્વેમાં 41 ટકા લોકોએ કહ્યું કે રાહુલના પ્રચારથી ગુજરાતનો માહોલ બદલાશે. જ્યારે 59 ટકા લોકો માને છે કે રાહુલના પ્રચારથી ગુજરાતનો માહોલ બદલાશે નહીં.



શું રાહુલ ગાંધીના પ્રચાર ગુજરાતનો માહોલ બદલાશે?
સ્ત્રોત- સી વોટર


હા-41%
ના - 59%


પ્રથમ તબક્કામાં કયા જિલ્લામાં મતદાન ? 


કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે. 


બીજા તબક્કામાં કયા જિલ્લામાં મતદાન ? 


અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા જિલ્લામાં બીજા તબક્કામાં મતદાન યોજાશે. 


નોંધ: સી-વોટરે આ સર્વે એબીપી સમાચાર માટે કર્યો છે. સર્વેના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથેની વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાય પર આધારિત છે. એબીપી સમાચાર આ માટે જવાબદાર નથી.