Accidents: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. નર્મદાના ગરુડેશ્વર બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો. એક બ્રિજ બંધ છે, જ્યાં ડાયવર્ઝનમાં બાઇક સવાર ઘૂસી જતાં બે લોકોના મોત થયા હતા. બંને મૃતક સરકારી આરોગ્યમાં નોકરી કરતા હતા. આ બ્રિજ 3 મહિનાથી બંધ કરવામાં આવ્યો છે. નર્મદા નદીના પુર ને લઈ બ્રિજનો એક ભાગ તૂટતા બંધ કરાયો છે.
દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે. લીમખેડાના પાણીયા નજીક ઇન્દોરથી અમદાવાદ જતી બસનો અકસ્માત થયો હતો. વહેલી સવારે ખાનગી બસે કપચી ભરેલા ડમ્પરને પાછળ થી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. બસ અને ડમ્પર રસ્તા નજીક ઉતરી ગયા હતા. અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને 108ની મદદથી સારવાર માટે ખસેડાયા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
મહારાષ્ટ્રનો પરિવાર સાળંગપુર કષ્ટભંજનદેવના દર્શન કરવા આવ્યો હતો. ત્યારે બોટાદ નજીક બે રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા પિતાનું મોત થયું હતું. જ્યારે તેમના પુત્રને સામાન્ય ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના ધુડે જિલ્લાના શિવપુર તાલુકાના શિવપુર ગામે રહેતા બબલુભાઈ ટીલાભાઈ ભોઈ (ઉ.વ.28), તેમના પત્ની, બા-બાપુજી, ભાઈ-ભાભી અને મામા-મામી સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા ટ્રેનમાં બેસી રવાના થયા હતા. ભોઈ પરિવાર મહારાષ્ટ્રથી પ્રથમ સુરત અને ત્યાંથી સુરત-મહુવા ટ્રેનમાં બેસી બોટાદ પહોંચ્યો હતો. અહીંથી તેઓ રિક્ષા ભાડે કરી સાળંગપુર જઈ રહ્યા હતા. તે વેળાએ વહેલી સવારના અરસામાં બોટાદથી આગળ ડફનાળા નજીક પહોંચતા સામેથી આવતી રિક્ષાના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જે બનાવમાં બબલુભાઈના પિતા અને મોટાભાઈને ઈજા થતાં સારવાર માટે બોટાદ બાદ ભાવનગર ખસેડવામાં આવતા ઈજાગ્રસ્ત આધેડનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે બબલુભાઈ ભોઈએ અજાણ્યા રિક્ષાના ચાલક સામે બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.