વલસાડ: અમદાવાદ- મુંબઈ નેશનલ હાઈવે પર વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે વાપીમાં હાઇવેના પુલ પર વિચિત્ર અકસ્માત થયો હતો. એક પછી એક 8 વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. જો કે આ અકસ્માતમાં કોઈ ઈજા કે જાનહાનિ નથી થઈ. પરંતુ વાહનોને મોટુ નુકશાન થયું છે. આગળ ચાલતા એક ટેમ્પો ચાલકે અચાનક બ્રેક મારતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને કારણે થોડા સમય સુધી હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટના અંગે હજુ સુધી કોઈ ફરિયાદ નથી નોંધાઈ.
ગુજરાતમાં કોરોનાના નવા 234 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે કુલ કેસનો આંકડો 200ને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 234 કેસ નોંધાયા છે. બીજી તરફ 159 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે આજે કોરોનાથી કોઈ પણ દર્દીનું મોત નથી થયું. આજે સૌથી વધુ 128 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટ્યો છે અને 99.01 ટકાએ પહોંચી ચુક્યો છે. આ સાથે જ હાલ કોરોના સામે રસીકરણનો આંકડો વધી રહ્યો છે. જેમાં આજે કુલ કોરોનાની રસીના 55865 ડોઝ અપાયા હતા.
કયા જિલ્લામાં કેટલા કેસ?
જિલ્લા પ્રમાણે નોંધાયેલા કોરોના વાયરસના કેસો જોઈએ તો આજે સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 128 કેસ, સુરત શહેરમાં 27 કેસ, વડોદરા શહેરમાં 22 કેસ, ભાવનગર શહેરમાં 12, વલસાડમાં 7, ભરુચમાં 4, ગાંધીનગર શહેર 4, સુરત 4, જામનગર શહેર 4, રાજકોટ શહેર 3, વડોદરા 3, અમદાવાદ 2, આણંદ 2, અરવલ્લી 2, કચ્છ 2, મહેસાણા 2, સાબરકાંઠા 2, ભાવનગર 1, ખેડા 1, નવસારી 1, રાજકોટ 1 અને સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો છે.
આજે કોઈ મોત નથી
આજે રાજ્યમાં કોઈ દર્દીનું મોત નથી થયું. આ સાથે આજે રાજ્યમાં કુલ 159 દર્દીઓ કોરોનાથી સાજા પણ થયા છે. હાલ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 1261 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 6 દર્દી વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં કોરોનાને હરાવીને કુલ 1215192 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કુલ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થયાં છે.