બોટાદ: ગઢડા તાલુકાના કેરાળા રોજમાળ ગામ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. ટ્રક અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાતા 1 યુવાનનું મોત થયું છે જ્યારે 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતક બુલેટ ચાલક ખંભાળા ગામના અશ્વિન ઝાપડિયા હોવાની વાત સામે આવી છે જ્યારે રાજુ બારૈયા નામના વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુ પામનાર અશ્વિન ઝાપડિયાની ડેડબોડીને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે જયારે રાજુ બારૈયાને ગંભીર ઈજાઓ થતા રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ગઢડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે.
પાટણમાં જીપમાંથી પડી જતા બે સગી બહેનોના મોત, પરિવારમાં શોકનો માહોલ
સમી તાલુકાના કનીજ ગામે દુઃખદ ઘટના સામે આવી છે. જીપવાનમાંથી પડી જવાથી બે બહેનોના મોત થયા છે. કનીજ ગામ જોડે ચાલું જીપડાલામાંથી પડી જવાથી બે યુવતીના મોત થઈ છે તો એકને ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ છે. મૃતક બન્ને બહેનોના મૃતદેહને પીએમ અર્થે સમી રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. બે સગી બહેનોના મોતથી પરિવાર પર દુઃખનું આભ ફાટ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.
ગેંગરેપ કેસમાં 11 દોષિતોનો મુક્ત કરવાના મામલે સુપ્રીમ કોર્ટ પહોંચી બિલકિસ બાનો
ગેંગરેપ કેસમાં પીડિત બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી છે અને 13 મેના આદેશ પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે. આ આદેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સામૂહિક બળાત્કારના દોષિતોને મુક્ત કરવાના મામલામાં 1992માં બનેલા નિયમો લાગુ થશે. તેના આધારે 11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે. આ મામલો આજે ચીફ જસ્ટિસ સમક્ષ મૂકવામાં આવ્યો હતો.
આ પહેલા 13 મેના રોજ સુપ્રીમ કોર્ટે એક દોષિતની અરજી પર સુનાવણી કરતા કહ્યું હતું કે, સજા 2008માં સંભળાવવામાં આવી હતી, તેથી ગુજરાતમાં 2014માં મુક્તિ માટે બનાવવામાં આવેલા કડક નિયમો લાગુ થશે નહીં. જેના આધારે ગુજરાત સરકારે 14 વર્ષથી સજા કાપી રહેલા લોકોને મુક્ત કર્યા હતા. હવે બિલકિસ બાનો 13 મેના આદેશ પર પુનર્વિચારની માંગ કરી રહી છે. તેમનું કહેવું છે કે જ્યારે મહારાષ્ટ્રમાં કેસ શરૂ થયો ત્યારે ત્યાં નિયમો લાગુ થશે, ગુજરાતમાં નહીં.