ભરૂચ: અંકલેશ્વરની વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર દર્દનાક અકસ્માત સર્જાયો છે. બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર બે યુવાનોના મોત નિપજ્યા છે. કાર એટલી હદે ડેમેજ થઈ ગઈ હતી કે મૃતદેહને બહાર કાઢવા કારનું પતરું ચીરવું પડ્યું હતું. અકસ્માતને પગલે અરેરાટી મચી ગઈ છે. અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
વિદેશ કમાવા ગયેલો ગુજરાતનો યુવાન બન્યો માનવ તસ્કરીનો શિકાર બન્યો
ગીર સોમનાથ: ભારતીયોમાં વિદેશમાં જવાનો અને ડોલરમાં કમાણી કરવાનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. ઘણા લોકો તેમાં સફળ થયા છે અને સારી કમાણી કરી રહ્યા છે. જો કે, બધાના નશીબમાં સફળતા લખી નથી હોતી. વિદેશમાં સારી કમાણીના લ્હાયમાં ઘણા લોકો માનવ તસ્કરીનો પણ શિકાર બન્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો ગીર સોમનાથમાં. જ્યાં તાલાલા તાલુકાના પીપલવા ગામનો યુવાન પ્રથમ દુબઇ અને ત્યાંથી મ્યાનમાર નોકરી કરવા ગયો અને માનવ તસ્કરીનો શિકાર બન્યો.
.પોલીસ અને પોલિટિક્સ બન્નેએ સાથે મળી ઓપરેશન પાર પાડ્યું
તેમને થાઈલેન્ડનું કહી મ્યાનમાર પહોંચાડી દેવાયો હતો. જેની જાણ ગીર એસપી અને તાલાલાના ધારસભ્ય ભગવાન બારડને થતા તેઓ એક્શનમાં આવી ગયા હતા. પોલિસ અને પોલિટિક્સ બન્નેએ સાથે મળી આ યુવાનને સાત સમંદર પારથી પરત લાવ્યા હતા. ધારાસભ્ય ભગવાન બારડે યુવાનને વિદેશથી તાલાલા લાવવા લાખો રૂપિયા ખર્ચ કર્યા હતા. આજે યુવાન પોતાના ગામ માદરે વતન તાલાલાના પીપળવા પહોંચ્યો જ્યાં પોતાના પરિવરાજનને ભેટી પડયો હતો.
સુરતમાં સીટી બસે ટક્કર મારતા જૈન સાધ્વીનું ઘટના સ્થળે જ મોત
સુરત: ડાયમંડ નગરી સુરતમાં સીટી બસનો કહેર યથાવત છે. સીટી બસના કારણે અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટ્યા છે. આજે ફરી સીટી બસે જૈન સાધ્વીને અડફેટે લીધા છે. સીટી બસે ટક્કર મારતા જૈન સાધ્વીનું ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું છે. ગુરુના અંતિમ દર્શન માટે નીકળેલા સાધ્વીનું સીટી બસ અકસ્માતમાં મોત નિપજતા ચકચાર મચી છે. મકાઈપુલ ખાતે સીટી બસે જૈન સાધ્વીનો ભોગ લીધો છે. અકસ્માતને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.