Gujarat Accident News: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. કચ્છના લાકડીયા-ચિત્રોડ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં 2 લોકોના સ્થળ પર જ મોત થયા હતા. સામખીયાળી-આડેસર નેશનલ હાઇવે પર ડમ્પર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક સવાર માતા-પુત્રના ઘટના સ્થળે જ મોત થયા હતા. જેને લઈ અરેરાટી વ્યાપી ગઈ હતી.
કપરાડામાં લગ્નની કંકોત્રી વેચવા નીકળેલા યુવાનને કાળ આંબી ગયો
વલસાડ જિલ્લાના કપરાડામાં લગ્નની કંકોત્રી વેચવા નીકળેલા યુવાનને અકસ્માત નડ્યો હતો. પોતાના કાકાના દીકરાના લગ્નની પત્રિકા આપવા જવા નીકળેલ યુવાનને બેફામ ટ્રક ચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. કપરાડાના ચાવ શાળા નજીક ઘટના બની હતી. ભવાડા જાગીરી ખાતે રહેતા તુલસીરામ ઈલાજભાઈ દોડકા (ઉંમર 45)નું મોત થતાં પરિવાર તથા ગ્રામજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. અકસ્માત ની ખબર પડતા ગ્રામજનો મોટી સંખ્યામાં કપરાડા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતો.
સુરતમાં મોપેડ અને ટેમ્પો વચ્ચે અકસ્માત
સુરતના ઉધના વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોપેડ સવાર 2 યુવકો પૈકી એક યુવકનું મોત થયું હતું. 22 વર્ષીય ભાવેશ પટેલનું મોત થયું હતું, જ્યારે અન્ય યુવક ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો. ટેમ્પો ચાલકે ટક્કર મારતા ઘટના સર્જાઇ હતી. મોપેડ અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. યુવકના મોતના પગલે પરિવારજનોમાં આક્રોશ ફેલાયો હતો અને ટેમ્પો ચાલકને કડક સજા કરવાની માંગ કરી હતી.
રાધનપુરમાં ટ્રેલર ચાલતે બાઇક સવારને મારી ટક્કર
પાટણના રાધનપુરમાં અકસ્માત સર્જાયો હતો. રાધનપુરમાં સર્વિસ રોડ પર અકસ્માતની ઘટના બની હતી.
ટ્રેલર ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક ઇસ્માઇલભાઈ કુરેશીનું ઘટના સ્થળે મોત થયું હતું.ડેડ બોડીને પીએમ અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. રાધનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
મંદિરેથી દર્શન કરી પરત ફરતી મહિલાને ટ્રકે અડફેટે લીધી
મહીસાગરના હાલોલ શામળાજી હાઇવે ઉપર સજ્જનપુર ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર મહિલાનું મોત થયું હતું. મંદિર ખાતે દર્શન કરી પરત ફરી રહેલા બાઈક ચાલકને ટ્રકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર મહિલાનું મોત થયું હતું અન્ય એક ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત સર્જનાર ટ્રક ડ્રાઇવરને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતા.