Gujarat Rain Forecast: હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે ક્યાં પડશે વરસાદ
ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠા સહિત મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગરમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢમાં આજે વરસાદ વરસી શકે છે.
શનિવારે રાજ્યના 83 તાલુકામાં વરસાદ નોંધાયા. સૌથી વધુ સુરેન્દ્રનગરના ચુડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો તો તો બોટાદ, ગોંડલ,ચીખલીમાં પણ 2-2 ઇંચ વરસાદ વરસ્યો. સારા વરસાદથી રાજ્યના છલોછલ થયેલા જળાશયોની સંખ્યા વધીને 58 પર પહોંચી છે. સૌરાષ્ટ્રના 30, કચ્છના 12, મધ્ય ગુજરાતના નવ અને દક્ષિણ ગુજરાતના છ જળાશયો હાઉસફુલ છે. 207 જળાશયોમાં 93.90 ટકાથી વધુ જળસંગ્રહ છે.રાજ્યના 206 પૈકી 144 જળાશયો હાઈએલર્ટ પર છે તો એલર્ટ અને વોર્નિંગ પર.. 107 છે, 19 એલર્ટ તો 18 જળાશયો વોર્નિંગ પર છે. 62 જળાશયોમાં 70 ટકાથી ઓછો જળસંગ્રહ છે.
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં 28 તારીખથી એક સિસ્ટમ સક્રીય થશે જેના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 30 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભુ થવાની શક્યતા છે. 2 ઑક્ટોબરથી 14 ઑક્ટોબર સુધીમાં હવાના દબાણમાંથી ધીમે ધીમે ચક્રવાત સર્જાવાની સંભાવના છે. જે બાદ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. સાથે જ એક બાદ એક ચક્રવાત બનવાની પણ સંભાવના છે. જેને લઈ ગુજરાતમાં વરસાદ આવશે. જેમાં દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. જ્યારે અંબાલાલ પટેલે પણ અરબ સાગરમાં 28 સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થવાની આગાહી વ્યક્ત કરી છે. જે બાદ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.
ચોમાસુ 25 સપ્ટેમ્બર સુધીમાં વિદાય લઈ લેશે
બે દિવસમાં ભલે ચોમાસુ વિદાય લે પરંતુ વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આંકલન કર્યું છે કે ચોમાસુ 25 સપ્ટેમ્બર સુધીમાં વિદાય લઈ લેશે. ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત કચ્છના કેટલાક ભાગો સાથે જ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ લાવશે. હવે જે વરસાદ આવશે તે ભારે પવન સાથે વરસી શકે છે. જ્યારે તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેશે. ઓક્ટોબરમાં 36થી 38 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે.