Gujarat Rain Forecast: લાંબા વિરામ બાદ ફરી રાજ્યમાં મેઘરાજા એક્ટિવ થયા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના અનેક વિસ્તારને ગત રાતથી મેઘરાજા ઘમરોળી રહ્યાં છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાતમાં જોરદાર વરસાદ લાવશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 7 દિવસ ગુજરાતના ક્યાં જિલ્લામાં વરસાદ વરસશે જાણીએ..
હવામાન વિભાગે આગામી 7 દિવસમાં વલસાડ,નવસારીમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દમણ,દાદરાનગર હવેલી,સુરત, તાપી, ડાંગ,નર્મદા,અમરેલી, ભાવનગર,વલસાડ,નવસારીમાં વરસાદની આગાહી કરી છે. આજે સુરત, તાપી, ડાંગ,નર્મદામાં અતિભારે વરસાદનું અનુમાન છે. અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલી ખાડીના કારણે ગુજરાતમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારો હાલ ગાઢ વાદળોથી ઘેરાયેલા છે. અમદાવાદમાં ગત રાતથી વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી અમદાવાદમાં મેઘરાજાએ ધુવાધાર બેટિંગ કરી હતી. મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે સારો વરસાદ વરસી રહ્યો છે. સિસ્ટમ આગળની તરફ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધતા હજુ પણ ગુજરાતમાં આગળના દિવસોમાં વરસાદ વરસશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં સારો વરસાદ વરસશે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ વરસાદનું જોર ધીમે ધીમે વધશે.
હવામાન વિભાગની આગાહી મુજબ 19થી 21 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સાર્વત્રિક સારા વરસાદનું અનુમાન છે. આ ત્રણ દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદનું અનુમાન પણ છે. ત્યારબાદ 23થી 25 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની શકયતા છે. હવામાનના કેટલાક મોડલ આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા પણ બતાવી રહ્યાં છે. આ સિસ્ટમ બાદ એક બીજી સિસ્ટમ પણ જનરેટ થઇ રહી છે. જેથી ગુજરાતમાં ઓગસ્ટના અંત સુધી લગભગ સારો વરસાદ રહેશે.
આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ
સુરત,તાપી, વલસાડ, ડાંગ, નવસારી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર,દાહોદ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, વડોદરામાં પણ આ 19થી 26 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદની શકયતા છે
સૌરાષ્ટ્રમાં ક્યાં પડશે ભારે વરસાદ
16 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારામાં અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું અનુમાન છે. ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં સારો વરસાદ વરસી શકે છે.