Gujarat Rain forecast: આગામી 7 દિવસ રાજ્યમાં રહેશે ભારે વરસાદ, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain forecast:હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદ વરસતો રહેશે. જાણીએ વધુ અપડેટ્સ

Gujarat Rain forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત હજુ પણ આગામી 7 દિવસ મેઘમહેર યથાવત રહેશે. રાજ્યમાં આગામી સાત દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યુ છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 25 ઓગસ્ટ એટલે કે આવતીકાલે અમદાવાદમાં પણ ભારે પવન સાથે ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. દરિયાકાંઠાના વિસ્તારમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. આ સ્થિતિને જોતા રાજ્યના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.
રાજ્યના સાત જિલ્લામાં વરસાદનું ઓરેંજ એલર્ટ
હવામાન વિભાગે આજે રાજ્યના સાત જિલ્લામાં વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની શક્યતાને જોતા આ જિલ્લામા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ અને પાટણ જિલ્લામાં પણ આજે સારો વરસાદ વરસશે,. ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દ્વારકા અને પોરબંદરમાં આજે બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, આ બંને જિલ્લામાં પણ વરસાદનું આજે યલો એલર્ટ અપાયું છે. ઉપરાંત ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ અને અમદાવાદ, ગાંધીનગર,આણંદ અને ખેડા,પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર,વલસાડ, સુરત,નવસારીમાં આજે વરસાદનું યલો એલર્ટ અપાયું છે ઉપરાંક દમણ, દાદરાનગર હવેલીમાં પણ આજે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. આ વિસ્તારમાં પણ આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી
અંબાલાલ પટેલે ગણેશ ઉત્સની આસપાસ વરસાદની આગાહી કરી છે. ગણેશ પર્વ દરમિયાન પણ વરસાદની ઝાપટાનું અનુમાન વ્યક્ત કર્યું છે. તો ભાદરવી પૂનમના મેળા સમયે પણ વરસાદ યથાવત રહેશે. નવરાત્રિની વાત કરીએ તો નવરાત્રિ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને આ દરમિયાન બફારો અને ઉકળાટ અનુભવાશે. આ સમયમાં એકાદ જિલ્લામાં વરસાદની ઝાપટા પડી શકે છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ 25 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. 25થી 28 દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ વરસશે.
અંબાલાલના આંકલન મુજબ આજે અને આવતી કાલે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસશે.ઉત્તર ગુજરાતના જિલ્લામાં બે ઈંચ સુધીનો વરસાદ વરસશે, મધ્ય ગુજરાતના વિસ્તારમાં આજે વરસાદનું અનુમાન છે.સ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદી ઝાપટા આજના દિવસે યથાવત રહેશે.દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ચાર ઈંચ સુધીનો વરસાદ વરસશે.રાજ્યના કેટલાક વિસ્તારમાં પૂરની સ્થિતિ નિર્માણ પામશે. બનાસકાંઠામાં ત્રણથી ચાર ઈંચ સુધીનો વરસાદ વરસશે. પંચમહાલ અને મહિસાગરમાં આઠ ઈંચ સુધીનો વરસાદ વરસશે. 25થી 28 ઓગષ્ટ સુધીમાં રાજ્યના કેટલાક ભાગમાં 5થી 10 ઈંચ સુધી વરસાદની શક્યતા છે. વરસાદના કારણે નર્મદા અને તાપીના જળસ્તરમાં વધારો થશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં ફરી વરસાદ વરસશે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઓક્ટોબર પહેલા સપ્તાહ સુધી ચોમાસુ સક્રિય રહેશે.




















