Vaishali Balsara Murder Case: વલસાડના ચકચારી મર્ડર કેસના મુખ્ય કોન્ટ્રાક્ટ કિલર સુખવિન્દર ઉર્ફે સુખો ઉર્ફે ઇલુની પંજાબના લુધિયાનાથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી બબીતાએ બહેનપણીના છૂટાછેડામાં વૈશાલીનો હાથ હોવાનું કારણ આપી હત્યા કરાવી હતી. આરોપી સુખવિન્દર ઉર્ફે સુખો ઉર્ફે ઇલુએ પોતાના મફલર વડે ગળું દબાવી હત્યા કરી હતી. વલસાડના પારડી નજીકથી પસાર થતી પાર નદી કિનારેથી ગઈ 28મી ઓગસ્ટના રોજ વલસાડની જાણીતી સિંગર વૈશાલી બલસારાની શંકાસ્પદ હાલતમાં બંધકારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસવડા સહિત જિલ્લાના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે વૈશાલી બલસારાની હત્યાનું રહસ્ય ઉકેલવા 6 ટીમો બનાવી હતી. જે વિવિધ દિશામાં તપાસ કરી હતી. ત્યારબાદ વૈશાલીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો. જેમાં વૈશાલીની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું  

જો કે વૈશાલીના શરીર પર કોઈ જગ્યાએ ઇજા કે પ્રતિકારના કોઈ નિશાન પણ જોવા નહીં મળ્યા હોવાથી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઇ હતી. વૈશાલીના હત્યારા સુધી પહોંચવા પોલીસે તમામ દિશામાં તપાસ તેજ કરી હતી. પોલીસની છ ટીમો વિવિધ દિશામાં તપાસ કરી રહી હતી. જેમાં ડીવાયએસપીની આગેવાનીમાં પીઆઇ, પીએસઆઇ અને કોન્સ્ટેબલ  સહિત પોલીસની મોટી ફોજ આ હત્યા કેસ ઉકેલોમાં કામે લાગી હતી. આરોપીઓ સુધી પહોંચવા પોલીસે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારના 1000થી વધુ સીસીટીવી ફૂટેજ પણ તપાસ કરી ચૂકી હતી. આખરે પોલીસની મહેનત રંગ લાવી અને ગણતરીના દિવસોમાં જ વલસાડ પોલીસે વૈશાલી બલસારાની હત્યાના રહસ્યો પરથી પડદો ઉચકવામાં સફળતા મળી.

પોલીસે વૈશાલીની હત્યામાં મુખ્ય ભૂમિકા નિભાવનાર મૃતક વૈશાલીની જ નજીકની મિત્ર બબીતાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ આરોપી ત્રિલોકસિંગ અને હવે મુખ્ય કોન્ટ્રાકટ કિલર સુખવિન્દર ઉર્ફે સુખો ઉર્ફે ઇલુની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી બબીતાએ કોન્ટ્રાકટ કિલર સુખવિન્દર ઉર્ફે સુખો ઉર્ફે ઇલુને હત્યા કરાવવા અંગેનું કારણ આપતા કહ્યું હતું કે તેની બહેનપણીના છુટાછેડા વૈશાલીના કારણે થયા હોવાની વાત કરી હત્યા કરાવવા માટે કોન્ટ્રાકટ આપ્યો હતો.

આરોપી સુખવિન્દર ઉર્ફે સુખો ઉર્ફે ઇલુની પુછપરછ કરતાં વૈશાલી બલસારાનુ અગાઉ પકડાયેલ આરોપી ત્રિલોકસીંગ તથા આરોપી બબીતા સાથે મળી પૂર્વ આયોજીત કાવતરૂ રચી મર્ડર કર્યું હોવાની કબુલાત કરી હતી. સાથે સાથે પંજાબથી વલસાડ આવવા જવા માટે અને સુરતમાં હોટેલમાં રોકાવા માટે બબીતાએ વૈશાલીના ગૂગલ પેમાંથી પૈસા મોકલાવ્યા હતા, જે પુરાવા પણ પોલીસને આરોપી પાસેથી પ્રાપ્ત થયા છે. આરોપી સુખવિન્દર ઉર્ફે સુખો છેલ્લા 11 વર્ષથી સોશિયલ મીડિયાના માધ્યમથી બબીતાના સંપર્કમાં હતો. આરોપી અગાઉ પંજાબમાં ચોરીના ગુનામાં પણ ધરપકડ થઇ હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. સાથે સાથે વૈશાલીની હત્યા પણ તેના જ મફલરથી ગળુ દબાવીને થઇ હોવાનું પુરવાર થયું છે. હાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.