'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
Disha Vakani Father Passes Away: દિશા વાકાણીના પિતા ભીમ વાકાણી લાંબા સમયથી અભિનયની દુનિયામાં ઉત્કૃષ્ટ રહ્યા છે

Disha Vakani Father Passes Away: ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી ઘરે ઘરે જાણીતી થયેલી દિશા વાકાણીનો પરિવાર અત્યારે શોકમાં ડૂબી ગયો છે. દિશા વાકાણીના પિતા પીઢ અભિનેતા ભીમ વાકાણીનું અવસાન થયું છે. ભીમ વાકાણીના અવસાનથી પરિવારમાં શોકમાં છે. દિશા વાકાણીના પિતાના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જાણીતા ગુજરાતી નાટ્ય કલાકાર ભીમ વાકાણીએ 84 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા, અને આજે બપોરે થલતેજમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે.
સોશિયલ મીડિયા પર માહિતી આપતા મયુર વાકાણીએ લખ્યું કે, પ્રસિદ્ધ નાટ્યકાર અને અભિનેતા ભીમ વાકાણી આજે સવારે અરિહંત શરણ પામ્યા છે. તેમના પાર્થિવ દેહની અંતિમયાત્રા આજે બપોરે 2:30 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે અને થલતેજ સ્મશાન ગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
દિશા વાકાણીના પિતા ભીમ વાકાણી કોણ છે?
દિશા વાકાણીના પિતા ભીમ વાકાણી લાંબા સમયથી અભિનયની દુનિયામાં ઉત્કૃષ્ટ રહ્યા છે. તેમણે ગુજરાતી રંગભૂમિથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યાં ઘણો સમય વિતાવ્યો હતો. બાદમાં તેઓ બોલિવૂડ ફિલ્મોમાં દેખાયા. તેમણે આમિર ખાનની "લગાન" ફિલ્મમાં એક નાનો રોલ ભજવ્યો હતો. તેઓ શાહરૂખ ખાનની "સ્વદેશ" અને માધુરી દીક્ષિતની "લજ્જા" ફિલ્મમાં પણ દેખાયા હતા.
ભીમ વાકાણી તેમની પુત્રી દિશા વાકાણીના શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ દેખાયા હતા. તેઓ શોના એપિસોડ 1320 માં બાબુજી ચંપકલાલના મિત્ર માવજી છેડાની ભૂમિકા ભજવતા દેખાયા હતા. એપિસોડમાં બાઘા ભૂલથી માવજીને પ્રેશર કૂકરના બદલામાં 50,000 રૂપિયા રોકડા આપી દે છે અને તેના બદલે ભીડેને કૂકર આપી દે છે. આનાથી ઘણો હંગામો થાય છે.
દિશા વાકાણી લાઈમલાઈટથી દૂર છે
એ નોંધનીય છે કે દિશા વાકાણી હાલમાં અભિનયથી દૂર છે અને લાઈમલાઈટથી દૂર રહે છે. માતા બન્યા પછી દિશાએ અભિનયમાંથી બ્રેક લીધો હતો. તે પોતાનો બધો સમય તેના પરિવાર અને બાળકો માટે સમર્પિત કરે છે. અભિનેત્રી બે બાળકોની માતા છે, અને તેના બાળકોના ફોટા ઘણીવાર વાયરલ થયા છે.






















