Vipul Chaudhary Arrest: ગત મોડી રાત્રે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગરમાં આવેલા તેમના ફાર્મ હાઉસ પંચશીલ ખાતેથી પોલીસે ધરપકડ કરી હતી. વિપુલ ચૌધરીની આ ધરપકડ કરોડો રુપિયાનાં કૌભાંડના આરોપ હેઠળ કરાઈ હતી. આ ધરપકડ બાદ હવે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ પત્રકાર પરીષદ કરીને સમગ્ર મામલે મોટો ખુલાસો કર્યો છે.


વિપુલ ચૌધરી, તેમનાં પત્ની અને પુત્ર વિરુદ્ધ ગુનો નોંઘ્યોઃ


ACBના પોલીસ અધિકારીએ જણાવ્યું કે, વિપુલ ચૌધરી અને તેમના CA શૈલેષની ધરપકડ કરવામાં આવી છે. વિપુલ ચૌધરીએ સમગ્ર ગેરરીતિ વર્ષ 2005 થી 2016 વચ્ચે મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘમાં થઈ હતી. બોગસ કંપનીઓ બનાવીને ગેરરીતિ આચરવામાં આવી હતી અને કેટલીક કંપનીઓમાં વિપુલ ચૌધરીનાં પત્ની અને પુત્ર પણ ડાયરેક્ટર તરીક છે. જેથી વિપુલ ચૌધરી, તેમનાં પત્ની અને પુત્ર વિરુદ્ધ પણ ACBએ ગુનો નોંઘ્યો છે. 


મિલ્ક કુલરની ખરીદીમાં આ ગોટાળો કરાયોઃ


વિપુલ ચૌધરી પર સૌથી મોટો આરોપ મુકતાં ACB તરફથી કહેવાયું કે, મિલ્ક કુલરની ખરીદીમાં આ ગોટાળો કરવામાં આવ્યો છે અને મિલ્ક કુલરની ખરીદીના નિયમો નેવે મુકીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આ સાથે 485 કરોડના બાંધકામના ટેન્ડરના નિયમો પણ તોડવામાં આવ્યા હતા. આ સાથે વિપુલ ચૌધરીએ પોતાના વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓ માટે રોકાયેલ વકીલનો ખર્ચ પણ દૂધ સાગર ડેરી પર નાંખ્યો હતો. વિપુલ ચૌધરીએ સાગર દાણના બારદાનની ખરીદીમાં 13 લાખની ગેરરીતિ કરી હોવાનો આરોપ પણ ACBએ મુક્યો છે.


800 કરોડ રુપિયાનું કૌભાંડ હોવાનો આરોપઃ


ACB તરફ તરફી અપાયેલી માહિતી મુજબ વિપુલ ચૌધરીએ 800 કરોડ રુપિયાનું કૌભાંડ કર્યું હોવાના આરોપ મુકવામાં આવ્યો છે. કંપનીઓના નામે અલગ-અલગ બેંકોમાં ખાતું ખોલાવીને ગેરરીતિના રુપિયા ટ્રાંસફર કરવામાં આવ્યા હતા. વિપુલ ચૌધરીએ ગેરરીતિના રુપિયા 31 બોગસ કંપનીઓમાં રોક્યા હતા. આ સાથે દૂધ સાગર ડેરીના પ્રચાર, પ્રસારમાં લગાવેલા હોર્ડિંગ્સમાં પણ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ ACBએ મુક્યો છે.


ઉલ્લેખનીય છે કે, વિપુલ ચૌધરીએ થોડા મહિનાઓ અગાઉ અર્બુદા સેના નામથી ચૌધરી સમાજને એક કરવા માટે સંગઠન બનાવ્યું હતું. અર્બુદા સેનાના નેજા હેઠળ વિપુલ ચૌધરી મહેસાણા, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વિવિધ સભાઓ કરીને ચૌધરી સમાનજને એક થવા માટે આહ્વાન કરી રહ્યા હતા. ત્યારે હવે વિપુલ ચૌધરીની ધરપકડ થયા બાદ આવનારી વિધાનસભા ચૂંટણીમાં આ ધરપકડની અસર જોવા મળશે.