અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર (Coroavirus Second Wave) શરૂ થઈ છે અને દિન-પ્રતિદિન કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વિવિધ શહેરો અને ગામડાઓમાં સ્થાનિકો-વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉનનો (Self Lockdown) નિર્ણય લીધો છે.   



  • ધ્રાંગધ્રામાં વધતા જતા કોરોના કેસને ધ્યાનમાં લઈને દરેક એસોસિએશનની સંમતિ થી તા.5/4/2021 થી 12/4/2021 સુધી શહેરની તમામ દુકાનો સવારથી સાંજના 6 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે.  દુકાનો બંધ થયા પછી બજાર ટોળા વળી બેસવું નહીં, સૌએ પોતાના ઘરે રહી, લોકડાઉન નો ચૂસ્તપણે અમલ કરીએ, જે કોઈ વ્યાપારીઓ અથવા પરીવારજનોને વેક્સિન લેવાની બાકી હોય તેઓ એ વેક્સિન લઈ પોતાને તથા પરીવાર ને કોરોનાથી બચાવીએ તેવી પણ અપીલ કરવામાં આવી છે.

  • જૂનાગઢના વંથલીના ટીકર ગામના લોકોએ સ્વેચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણંય લીધો છે. છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસો વધતા તેમજ 3 લોકોના મૃત્યુ થતા સંક્ર્મણ વધુ ન ફેલાય તે માટે ગામલોકોએ સ્વેચ્છિક લોકડાઉનનો નિર્ણંય કર્યોં છે. હાલ 15 જેટલાં કેસ પોઝિટિવ છે. આરોગ્યની ટીમ દ્વારા ઘરે ઘરે જઈને તપાસ કરવામાં આવી છે. લોકોને જરૂરિયાત ચીજ વસ્તુ માટે ગામના વેપારીઓને બે કલાક સવારે તેમજ બે કલાક સાંજે દુકાન ખોલવા જણાવ્યું છે  તેમજ ગામના લોકોને જરૂરી કામ વગર બહાર ન નીકળવા તેમજ માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા જણાવ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા ગામમાં સેનિટાઇઝર, તેમજ દવાનો છંટકાવ કરવામાં આવશે. હાલ 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે.તેમજ સરપંચ દ્વારા પોલીસની મદદ પણ માંગવામાં આવી છે, જેથી ગામ માં લોકડાઉનનું સારી રીતે પાલન થાય અને વ્યવસ્થા જળવાય રહે.

  • આણંદ જિલ્લાના કોઠાવી ગામમાં પણ સ્થાનિકોએ સ્વૈચ્છિક આંશિક લોકડાઉનને બે સપ્તાહ માટે અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. અગાઉ આણંદ જિલ્લામાં ત્રણ ગામોએ તો સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી લીધી છે. હવે કોરોનાના સંક્રમણમાં વધારો થતાં કોઠાવી ગામ પણ તેમાં જોડાયું છે. જ્યાં હવે તારીખ 17 મી એપ્રિલ સુધી સ્વૈચ્છિક આંશિક લોકડાઉન અમલમાં રહેશે. લોકો સ્વયંભૂ જ ઘરમાં રહીને કોરોનાના સંક્રમણના નાથવાનો પ્રયાસ કરશે. 

  • દરમિયાનમાં મોરબીમાં પણ કોરોનાના કેસોમાં કુદકે ને ભૂસકે વધારો થતાં અનાજ અને ખાંડના વેપારીઓ તેમજ ખાદ્ય તેલના વેપારીઓના એસોસિએશને સોમવારથી બપોરે બે વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. જો વેપારીઓ જાતે જ દુકાનો બંધ રાખશે તો ખરીદી માટે આવનારા લોકોની સંખ્યા ઘટશે અને આમ ભીડ ઘટતાં સંક્રમણમાં ઘટાડો થશે તેવું માનવામાં આવી રહ્યું છે.

  • હિંમતનગરના કાણીયોલ ગામમાં પણ કોરોનાના કેસોમાં વધારો થતાં સાત દિવસના સ્વૈચ્છિક આંશિક લોકડાઉનને અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. લોકોને ઈમરજન્સી સિવાય ઘરની બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત સવારે અને સાંજે બે-બે કલાક સુધી આ લોકડાઉનમાંથી મુક્તિ રહેશે. જે દરમિયાન લોકો તેમની જીવન-જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી શકશે અને અન્ય કામ પણ પૂરા કરી શકશે. 


ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ


રાજ્યમાં ફરી કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. રવિવારે કોરોના વાયરસના (Coronavirus) 2875 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 14  લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં આજે  2024  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.  રાજ્યમાં અત્યાર સુધી 2,98,737 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 15 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 15135 પર પહોંચ્યો છે. જેમાંથી 163 લોકો વેન્ટિલેટર પર અને 14972 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.81  ટકા છે.


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 64,89,441 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 7,83,043 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આજે કુલ 2,77,888 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.