કોરોના મહામારીને કારણે ઓફલાઇનને બદલે ઓનલાઇન શૈક્ષણિક કાર્ય કરાવ્યા પછી ઓફલાઇન શૈક્ષણિક કાર્ય હાથ ધરવું પણ સરકાર માટે પડકારજનક છે. કોરોનાના ડરને કારણે ઓછી હાજરીનો પ્રશ્ન છે, તેવા સંજોગોમાં રાજય સરકાર હવે ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવા કવાયત હાથ ધરી છે. આમ તો આયોજન આગામી સોમવારથી હાથ ધરવાનું છે, પણ જો કોઇ અડચણ આવે તો ફેબ્રુઆરીમાં તો શૈક્ષણિક કાર્ય હાથ ધરાશે.
નોંધનીય છે કે, ગઈકાલે જ 10 મહિના બાદ અમદાવાદમાં CBSE સ્કૂલો શરૂ થઈ હતી. ઘણી સ્કૂલોએ વિદ્યાર્થીઓને કોરોનાના લક્ષણ ન હોવાનું સેલ્ફ ડેકલેરેશન મંગાવ્યું છે. વિદ્યાર્થીઓની સાથે સાથે તેમને સ્કૂલે મૂકવા આવતાં વાલીઓ પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને ભીડ ન થાય તે માટે તેમણે બાળકોને સ્કૂલના ગેટ પર ઉતારવાના રહેશે. કોઈપણ વાલી કેમ્પસમાં પ્રવેશી શકશે નહીં.
જોકે શાળા શરૂ કર્યા બાદ હવે વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગ્યાના સમાચાર પણ સામે આવ્યા છે. કેશોદની કે.એ.વણપરિયા વિનય મંદિર શાળાની 11 વિદ્યાર્થીનીઓને કોરોના થયો છે. સ્કૂલમાં પ્રવેશતા એન્ટિજેન ટેસ્ટ કરાયા હતા. જેમાં 3 હોસ્ટેલની અને 8 શહેરની વિદ્યાર્થીનીઓ કોરોના સંક્રમિત થઇ છે. આ બનાવને લઈને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ વિદ્યાર્થિનીઓને હાલ ક્વોન્ટાઇન કરી છે. આ સાથે જ તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરન્ટાઇન થવાનું પણ કહેવામાં આવ્યું છે અને જરૂર પડ્યેથી કોરોના ટેસ્ટ કરાવવાની પણ સૂચના આપવામાં આવી છે.