Ahmedabad: અમદાવાદના નિત્યાનંદ આશ્રમ રહેતી અને હાલ ફરાર થયેલી પોતાની દીકરીઓને પરત લાવવા માટે દીકરીઓના પિતાએ હાઈકોર્ટમાં કરેલી હેબિયર્સ કોર્પસ રીટની આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણીમાં બંને દીકરીઓએ વીડિયો કોન્ફરન્સથી હાઈકોર્ટ સમક્ષ હાજર થવાનો ઈન્કાર કરી દીધો હતો.
બંને દીકરીઓએ શું કહ્યુંઃ
આજે હાઈકોર્ટમાં થયેલી સુનાવણીમાં બંને દીકરીઓએ પોતાના વકીલ મારફત જણાવ્યું છે કે, અમે વિદેશમાં આવેલા ભારતીય દૂતાવાસમાંથી વીડિયો કોન્ફરન્સથી સુનાવણીમાં હાજર નહી થઈએ. બંને દીકરીઓ યુ.એસમાં આવેલા યુનાઈટેડ નેશન્સમાં ભારતીય હાઈકમિશન સમક્ષ હાજર થવા ઈચ્છે છે. અન્ય કોઈ પણ દેશમાં ભારતીય દૂતાવાસમાં વીડિયો કોન્ફરન્સથી હાજર નહી થાય તેવું દીકરોઓના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું
દીકરીઓના પિતાના વકીલે શું કહ્યુંઃ
આ અંગે બંને દીકરીઓના પિતાના વકીલે જણાવ્યું હતું કે, "આ બધું નિત્યાનંદના દબાણ અને ફન્ડિંગથી થઈ રહ્યું છે અને દીકરીઓને ગુમરાહ કરાઈ રહી હોવાની ભીતિ વ્યક્ત કરી હતી." વકીલે વધુમાં કહ્યું કે, "જ્યારે પહેલાં હાઈકોર્ટે સુનાવણીમાં બંને દીકરીઓને હાજર કરવાનું કહ્યું હતું ત્યારે પણ કોર્ટમાં ઉપસ્થિત થવાનો બંનેએ ઈન્કાર કર્યો હતો. હવે વીડિયો કોન્ફરન્સથી પણ તેઓ સુનાવણીમાં હાજર રહેવાનો ઈન્કાર કરી રહ્યા છે. તેઓ હાલ જે પણ દેશમાં હાજર ત્યાંથી નજીકના કોન્સોલેટમાંથી હાજર થવા પણ તેઓ તૈયાર નથી. છેલ્લા 2 વર્ષથી મળતા કાયદાકીય સમર્થનથી માનવામાં નથી આવતું કે બંને દીકરીઓ નિત્યાનંદ પાસે નથી."
હાઈકોર્ટે શું ટકોર કરીઃ
હાઈકોર્ટે આ અંગે ભારતીય એમ્બેસી આ દીકરીઓને કોર્ટ સમક્ષ હાજર કરવા મુદ્દે શું કરી રહી છે એનો કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે એ પણ ટકોર કરી હતી કે, શું અમેરિકન વિઝા મેળવવા માટેના પ્રયાસો તો નથી થઈ રહ્યા ને. હવે આગામી સુનાવણી 3 માર્ચના રોજ હાથ ધરાશે.