Chandola Demolition:અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે. નોંધનીય છે કે ચંડોળા તળાવ પર બાંગ્લાદેશીઓએ ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ બનાવી લીધી છે. છેલ્લા 14 વર્ષમાં અહીં આશરે દોઢ લાખ સ્ક્વેર મીટરની સરકારી જમીન પર દબાણ કરાયું છે. પોલીસે અહીંથી જ 800થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. ચંડોળા તળાવ નજીક ગેરકાયદે આવેલા અને વસતા બાંગ્લાદેશી સામે તંત્રએ ક્લિન ઓપરેશન હાથ ધર્યું છે. બાંગ્લાદેશીના મકાન સહિતના બાંધકામ તોડી પાડવા માટે અમદાવાદમાં આજે મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. જો કે ચંડોળા તળાવ ડિમોલિશનનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ડિમોલિશનને રોકવાની માગ કરતી અરજી કરાઇ છે. તત્કાલ સુનાવણી અને ડિમોલિશન સામે મનાઈ હુકમની માગ કરાઇ છે.
18 અરજદારોએ હાઈકોર્ટમાં કરી અરજી
હાઇકોર્ટને અરજી કરનાર 18 અરજદારોએ અરજીમાx નીતિ નિયમ વિરૂદ્ધ ડિમોલિશન હોવાનો ઉલ્લેખ કર્યો છે. અરજીમાં અનેક મુદ્દાનો ઉલ્લેખ છે. જેમકે કે, હજુ અહીં રહેતા લોકો બાંગ્લાદેશી છે તે પુરવાર નથી થયું. અહીં રહેતા લોકો ગેરકાયદે વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે.ઉપરાંત ઘર તોડતા પહેલા કોઇ નોટિસ પણ નથી આપી. લોકોના પુનર્વસનની કોઇ વ્યવસ્થા નથી. આ તમામ મુદ્દાને લઇને થયેલી અરજીની સુનાવણી હાઇકોર્ટમાં 11 વાગ્યે થશે.
ઉલ્લેખનિય છે કે, ચંડોળા તળાનો આસપાસનો વિસ્તાર ગેરકાયદે આવેલા બાંગ્લાદેશીની વસાહત માટે કુખ્યાત છે. આ મોટા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામની હારમાળા છે. AMC ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરીને ગેરકાયદે બાંધકામ હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ડિમોલિશન માટે પોલીસના કાફલા સાથે સવારે એએમસીની ટીમ પહોંચી હતી અને 50 જેસીબી મશીન સાથે AMCનું ક્લિન ઓપરેશન શરૂ થયું છે.
લાલા બિહારીએ 2 હજાર વારમા આલિશાન રિસોર્ટ બનાવ્યો
ડિમોલિશનની શરૂઆત મહેમુદ પઠાણ ઉર્ફે લાલા બિહારીના ફાર્મથી કરવામાં આવી હતી. દબાણ માફિયા લાલા બિહારીના ફાર્મ હાઉસ પર AMCની ટીમ અને અમદાવાદ ક્રાઈમબ્રાંચની ટીમ પહોંચી હતી. લાલા બિહારીએ 2 હજાર વારમાં ગેરકાયદેસર રિસોર્ટ બનાવ્યો હતો. તળાવમાં બનાવેલા રિસોર્ટમાં સ્વિમિંગ પુલ અને પાર્ટીઓ માટેની જગ્યા પણ બનાવવામા આવી હતી. રિસોર્ટમાં સ્વિમિંગ પુલ, ગાર્ડન, અને ફુંવારા જોવા મળ્યા હતા.મહેમૂદ પઠાણ ઉર્ફે લાલા બિહારીનું ગેરકાયદે ફાર્મ હાઉસ જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. મહેમૂદ પઠાણ ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપતો હતો. એક વ્યકિત દીઠ મહેમૂદ પઠાણ 10થી 15 હજાર વસૂલતો હતો.