Ahmedabad PMLA Court verdict: ગુજરાતના ચકચારી મની લોન્ડરિંગ કેસમાં અમદાવાદની વિશેષ PMLA કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. રાજ્યના પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ એક્ટ હેઠળ દોષિત ઠેરવીને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટતા કરી છે કે શર્મા હાલ જે કેસમાં જેલવાસ ભોગવી રહ્યા છે, તે સજા પૂર્ણ થયા બાદ આ નવી સજા શરૂ થશે. એટલે કે, તેમણે આ સજા અલગથી ભોગવવાની રહેશે. આ ઉપરાંત, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ટાંચમાં લેવામાં આવેલી તેમની તમામ મિલકતો હવે સરકાર હસ્તક જ રહેશે તેવો હુકમ પણ કરવામાં આવ્યો છે.
અગાઉની સજાથી અલગ ભોગવવી પડશે જેલ
અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સંકુલમાં આવેલી સ્પેશિયલ PMLA કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે. પ્રદીપ શર્મા સામે ભ્રષ્ટાચાર અને પદના દુરુપયોગના ગંભીર આરોપો હતા. કોર્ટના આદેશ મુજબ, મની લોન્ડરિંગ કેસમાં મળેલી 5 વર્ષની સજા 'કન્ઝિક્યુટિવ' (Consecutive) રહેશે. જેનો અર્થ એ છે કે હાલ તેઓ અન્ય ગુનામાં જે સજા કાપી રહ્યા છે તે પૂરી થયા બાદ જ આ મની લોન્ડરિંગ કેસની સજાની ગણતરી શરૂ થશે. આ ચુકાદો પૂર્વ અધિકારી માટે મોટો ફટકો માનવામાં આવે છે.
શું હતો સમગ્ર મામલો?
આ કેસના મૂળ વર્ષ 2010 સુધી વિસ્તરેલા છે. જ્યારે પ્રદીપ શર્મા કચ્છ જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે તેમના પર વેલસ્પન ગ્રુપની કંપનીને નિયમો નેવે મૂકીને સસ્તા ભાવે જમીન ફાળવવાનો આરોપ લાગ્યો હતો. આ નિર્ણયથી સરકારી તિજોરીને મોટું નુકસાન થયું હતું. આ મામલે સૌપ્રથમ રાજકોટ CID ક્રાઈમમાં 2010 માં ફરિયાદ દાખલ થઈ હતી.
ત્યારબાદ આર્થિક ગેરરીતિ સામે આવતા ED એ તપાસ હાથ ધરી હતી. વર્ષ 2016 અને 2018 માં તેમની સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસમાં ખુલાસો થયો હતો કે પ્રદીપ શર્માએ ભ્રષ્ટાચાર દ્વારા એકઠા કરેલા કરોડો રૂપિયા હવાલા મારફતે વિદેશ મોકલ્યા હતા. આ રકમ તેમણે પોતાની પત્ની તેમજ અમેરિકામાં સ્થાયી થયેલા પુત્ર અને પુત્રીના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી હતી.
કારકિર્દીની સફર: 1999 બેચના અધિકારી
પ્રદીપ શર્માની કારકિર્દી પર નજર કરીએ તો, તેઓ મૂળ રસાયણશાસ્ત્રના સ્નાતક હતા. તેમણે ગુજરાત વહીવટી સેવાની પરીક્ષા પાસ કરી હતી અને વર્ષ 1981 માં ડેપ્યુટી કલેક્ટર તરીકે સરકારી સેવામાં જોડાયા હતા. તેમની કામગીરીને પગલે વર્ષ 1999 માં તેમને IAS કેડરમાં બઢતી મળી હતી. પોતાની સેવા દરમિયાન તેમણે જામનગર અને ભાવનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે તેમજ રાજકોટ અને કચ્છ જિલ્લાના કલેક્ટર જેવા મહત્વના હોદ્દાઓ પર ફરજ બજાવી હતી. જોકે, ભ્રષ્ટાચારના આરોપોએ તેમની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.