ahmedabad rain compensation: ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજીને કેટલાક મહત્વના નિર્ણયોની જાહેરાત કરી છે. તાજેતરમાં પડેલા ભારે વરસાદથી અમદાવાદમાં વેપારીઓને થયેલા નુકસાન અંગે સરકારે સંવેદના દાખવીને સુરતની તર્જ પર સહાય ચૂકવવાનો મોટો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, વરસાદમાં વારંવાર તૂટી જતા ડામરના રસ્તાઓનો કાયમી ઉકેલ લાવવા હવે નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં સિમેન્ટ કોંક્રિટ (CC) ના રોડ બનાવવામાં આવશે. આ બેઠકમાં વીજ કર્મચારીઓની કામગીરીની પ્રશંસા કરવા સાથે તેમની સુરક્ષા બાબતે પણ મુખ્યમંત્રીએ કડક સૂચનાઓ આપી છે. સાથે જ કોમનવેલ્થ ગેમ્સની સફળતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાન અંગે પણ મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી.
અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાય
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ સુરતમાં ભારે વરસાદ વખતે જે રીતે સહાય જાહેર કરાઈ હતી, તે જ ઠરાવ મુજબ હવે અમદાવાદના વેપારીઓને પણ સહાય અપાશે. તાજેતરના વરસાદમાં અમદાવાદમાં પાણી ભરાવાના કારણે નાના-મોટા વેપારીઓ અને દુકાનદારોને ઘણું મોટું નુકસાન થયું છે. આ નુકસાનીનો પારદર્શી રીતે અંદાજ કાઢવા માટે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીના આધારે ચોક્કસ સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ તેમને સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવશે.
રસ્તાઓ માટે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય
ચોમાસામાં ડામરના રસ્તાઓ ધોવાઈ જવાની અને તૂટી જવાની સમસ્યા ખૂબ સામાન્ય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી મહાનગરપાલિકા અને નગરપાલિકાના તમામ નવા આંતરિક માર્ગો સિમેન્ટ કોંક્રિટ (CC) ના બનાવવામાં આવશે. વરસાદના કારણે હયાત રસ્તાઓને થતા નુકસાનને અટકાવવા આ નિર્ણય લેવાયો છે. એટલું જ નહીં, આગામી સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ તબક્કાવાર સિમેન્ટ કોંક્રિટના રોડનું નિર્માણ કરવામાં આવશે.
વીજ કર્મચારીઓની સુરક્ષામાં કોઈ બાંધછોડ નહીં
વરસાદી માહોલમાં ખોરવાયેલો વીજ પુરવઠો તાત્કાલિક પુનઃ સ્થાપિત કરવા માટે વીજળી બોર્ડના કર્મચારીઓએ કરેલા સતત પ્રયાસોની કેબિનેટમાં ખાસ સરાહના કરવામાં આવી હતી. આ સાથે જ મુખ્યમંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જીવના જોખમે કામ કરતા આ વીજ કર્મચારીઓની સેફ્ટી અને સલામતીનું પૂરતું ધ્યાન રાખવામાં આવે અને તેમની સુરક્ષાના નિયમોમાં કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે.
કોમનવેલ્થમાં સફળતા બદલ અભિનંદન અને સ્વચ્છતા અભિયાન
કેબિનેટની આ બેઠકમાં તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ મેળવેલી જ્વલંત સફળતા બદલ તેમને વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સ્વચ્છતા અભિયાન' ને રાજ્યમાં વધુ વેગવંતુ અને અસરકારક બનાવવા માટે કયા પ્રયાસો કરી શકાય તે અંગે પણ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ખેડૂતો માટે રાહતના સમાચાર: માવાઠાથી થયેલી નુકસાની બદલ આવતીકાલે કેબિનેટ બેઠક બાદ સહાયની થશે જાહેરાત
