અમદાવાદ : રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરુઆત વહેલી થઈ છે. જૂન મહિનાથી જ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જૂલાઈમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી વરસાદ રાજ્યમાં ભુક્કા બોલાવશે. 12 જૂલાઈથી લઈ 17 જૂલાઈ સુધી વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 17 જુલાઈ સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીનું અનુમાન વ્યક્ત કર્યું છે.
કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે 12 જુલાઈ શનિવારના દિવસે અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા છે.
13 જૂલાઈના રોજ આ જિલ્લાઓમાં વરસાદનું અનુમાન
13 જૂલાઈ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે વધુમાં હાલમાં મોન્સૂન ટ્રફ સક્રિય થતા 24 કલાક બાદથી વરસાદી માહોલ જામશે. અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા સાથે છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના 207 જળાશયોમાં 54 ટકા જળ સંગ્રહ
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 54 ટકા જળ સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના 49.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષે આ સમયે એટલે કે, તા. 11 જુલાઈ-2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 39.55 ટકા જળ સંગ્રહ હતો.
7 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર
આજે રાજ્યના 7 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં આજે પણ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, વડોદરા અને ભરૂચમાં પણ મધ્યમ વરસાદ વરસી શકે છે. આગામી દિવસોમાં આ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે, જેના પગલે ખેતીની પાકને લાભ થશે.