Gujarat assembly election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન સુરતની વરાછા બેઠક પર સમગ્ર ગુજરાતની નજર રહેલી છે. દિવસે દિવસેને આ બેઠેકને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. હાલમાં સુરતના વરાછા વિધાનસભામાં યોજાયેલ એક જાહેરસભાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.


 



વરાછા વિધાનસભામાં વાર પર પલટવાર થઈ રહ્યા છે. ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીનો નવો વીડિયો વાયરલ થયો છે. કુમાર કાનાણીએ નામ લીધા વગર આપ પર  પ્રહાર કર્યા છે. ભાજપ નેતાએ કહ્યું કે, ગ્રીષ્માની હત્યા કરનાર ફેનીલ સામેની ટોળકીનો હતો. કાયદો વ્યવસ્થા જાળવવા આવા લોકોને વોટ ન અપાય તેવી હાકલ કરી હતી.


આ પહેલા કુમાર કાનાણીએ આપ ઉમેદવાર અલ્પેશ કથીરિયા પર પ્રહાર કર્યા હતા. ભાજપ સરકારે શું કર્યું પૂછનારની માતાના ઘૂંટણ આયુષ્માન કાર્ડથી બદલાવ્યા છે.  ફ્રી ફ્રી ની વાતો કરનાર સરકારની ફ્રી ની સુવિધા લઈ રહ્યા છે તેવું એક સભા સંબોધન દરમિયાન કહ્યું હતું.


તો બીજી તરફ આ મામલે અલ્પેશ કથીરીયાની પ્રતિક્રિયા સામે આવી છે. કહ્યું કે, જ્યારે માતાની સારવાર થઈ ત્યારે હું જેલમાં હતો. પરંતુ આ મુદ્દાને ચગાવી રાજનીતિ ન કરવી જોઈએ. તમે સારવાર કરી છે તો મેં ટેક્સ ભર્યા છે, એ ટેક્સના પૈસે સારવાર થઈ છે.


ગુજરાત ચૂંટણીમાં BJPએ તમામ તાકાત લગાવી


 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી છેલ્લી રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના સૌથી ખરાબ પ્રદર્શનમાંથી કદાચ બોધપાઠ લઈને, તેણે આ ચૂંટણીમાં પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદાન પહેલા અને છેલ્લા 20 દિવસમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અડધો ડઝન મુખ્યમંત્રીઓ અને અન્ય કેન્દ્રીય નેતાઓએ લગભગ 150 નાની-મોટી જનસભાઓ યોજી છે. 


જેમાંથી માત્ર મોદી અને શાહે જ ત્રણ ડઝનથી વધુ જાહેરસભાઓને સંબોધી છે. આ બે નેતાઓ ઉપરાંત, પાર્ટી શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને કેન્દ્રીય પ્રધાનો અને ચોક્કસ જાતિ અને પ્રદેશોના નેતાઓ પણ રાજ્યમાં પ્રવાસ કરી રહ્યા છે. ચૂંટણી વ્યૂહરચના સાથે સંકળાયેલા ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન આવતા રવિવારે ખેડા, નેત્રંગ અને સુરતમાં ચૂંટણી સભાઓને સંબોધશે અને પક્ષના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર કરશે. બીજા દિવસે તેઓ ચાર જાહેર સભાઓને સંબોધશે. 


અમરેલી, ભાવનગર, વડોદરા અને અમદાવાદની વિવિધ સીટો પર પ્રચાર કર્યા બાદ શાહ અન્ય વિસ્તારોમાં પ્રચારનું નેતૃત્વ કરશે, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હિંમતનગરમાં રોડ શો કરશે. ગુજરાતની 182 સભ્યોની વિધાનસભા માટે બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે અને મત ગણતરી 8 ડિસેમ્બરે થશે. પ્રથમ તબક્કામાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી,  ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે.  આ તબક્કામાં કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે.