alpesh thakor marriage appeal: બનાસકાંઠાના દિયોદર સ્થિત ઓગડધામમાં આજે ઠાકોર સમાજ (Thakor Community) નું ઐતિહાસિક મહાસંમેલન યોજાયું હતું. આ પ્રસંગે રાજકીય પક્ષોના ભેદભાવ ભૂલીને સમાજના તમામ આગેવાનો એક મંચ પર જોવા મળ્યા હતા. સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજમાં વ્યાપેલી કુરિવાજો દૂર કરવા માટે 16 નિયમો (16 Rules) નું નવું બંધારણ જાહેર કર્યું હતું. જ્યારે અલ્પેશ ઠાકોરે વ્યસન મુક્તિ અને શિક્ષણ પર ભાર મૂકતા કડક શબ્દોમાં કહ્યું હતું કે, "જેને દારૂ પીવો હોય એ ભલે વાંઢા મરી જાય, પણ સમાજની દીકરી તેને ન આપવી."

Continues below advertisement

ગેનીબેન ઠાકોરે જાહેર કર્યું સમાજનું નવું બંધારણ

ઓગડધામ ખાતે યોજાયેલા આ વિરાટ સંમેલનમાં ગેનીબેન ઠાકોરે સમાજ સુધારણા તરફ એક મોટું પગલું ભર્યું છે. તેમણે સમાજને ખોટા ખર્ચાઓ અને કુરિવાજોમાંથી મુક્ત કરવા માટે તૈયાર કરાયેલા સામાજિક બંધારણ (Social Constitution) નું વાંચન કર્યું હતું અને સમાજના લોકોને આ 16 નિયમો નું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી. આ નિયમોનો ઉદ્દેશ્ય લગ્નપ્રસંગે થતા અઢળક ખર્ચ ઘટાડવાનો અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. મંચ પર ઉપસ્થિત તમામ આગેવાનોએ એકસૂરે આ નિયમોને સ્વીકારવાની ખાતરી આપી હતી.

Continues below advertisement

'અન્ય સમાજ ટેકનોલોજીમાં આગળ, આપણે ક્યાં?'

અલ્પેશ ઠાકોરે પોતાના સંબોધનમાં સમાજની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, "આ કોઈ રાજકીય મંચ નથી, અહીં માત્ર સમાજના હિતની વાત થશે. આજે અન્ય સમાજો શિક્ષણ (Education) અને ટેકનોલોજી (Technology) ના માધ્યમથી ક્યાંય આગળ નીકળી ગયા છે, જ્યારે આપણે હજુ પણ ખોટા રીત રિવાજોમાં અટવાયેલા છીએ." તેમણે ઉમેર્યું કે જો આપણે સમાજને સાચી દિશામાં નહીં લઈ જઈએ તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે.

લગ્ન પ્રસંગો અને 'બોલામણા' પ્રથા પર રોક

ખોટા ખર્ચાઓ રોકવા માટે અલ્પેશ ઠાકોરે મહત્વના સૂચનો કર્યા હતા:

લગ્નનો સમય: લગ્નની બે મુખ્ય સિઝન 'મહા' અને 'વૈશાખ' મહિનામાં જ લગ્ન યોજવા જોઈએ, જેથી અડધી તકલીફો દૂર થાય.

આહીર સમાજની પ્રેરણા: આહીર સમાજમાં જેમ તેરસના દિવસે સમૂહમાં લગ્ન થાય છે, તેમ આપણે પણ કરવું જોઈએ.

મર્યાદિત મહેમાનો: પ્રસંગોમાં 10 થી 15 લોકોની હાજરી જ રાખવી જોઈએ.

બોલામણા બંધ કરો: કોઈ બીમાર પડે ત્યારે 10 20 રૂપિયાનું કવર આપવાને બદલે તેના હોસ્પિટલના ખર્ચમાં મદદ કરવી જોઈએ.

ખર્ચ ઘટાડો: અલ્પેશ ઠાકોરે ઉદાહરણ આપતા કહ્યું કે, "મારા પિતાનો આભાર માનું છું કે મારા દીકરાના લગ્ન માત્ર 15,000 રૂપિયામાં કરી દીધા હતા."

દારૂડિયાઓને ખુલ્લી ચેતવણી અને બહેનોને ટકોર

વ્યસન મુક્તિ અભિયાનને વધુ વેગવંતુ બનાવતા અલ્પેશ ઠાકોરે આક્રમક તેવર બતાવ્યા હતા. તેમણે કહ્યું કે, દરેક ગામે એક કમિટી બનાવવી જોઈએ જે તપાસ કરે કે મુરતિયો દારૂ પીવે છે કે નહીં. "જેને દારૂ પીવો હોય એ વાંઢા મરે," પણ સમાજે તેને દીકરી ન આપવી જોઈએ. આ સાથે તેમણે મહિલાઓને પણ ટકોર કરી હતી કે બહેનોએ પણ 'પડીકી' ખાવાનું બંધ કરવું જોઈએ, આ ખૂબ શરમજનક બાબત છે.

શિક્ષણ માટે 11 વીઘા જમીનનું દાન

સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે 'સદારામ ધામ' નું નિર્માણ કરવામાં આવશે. આ નેક કાર્ય માટે અલ્પેશ ઠાકોરે લવીંગજી અને કેશાજી સાથે મળીને 11 વીઘા (11 Bigha) જમીન દાનમાં આપવાની જાહેરાત કરી છે. વધુમાં, આગામી 26 જાન્યુઆરી (26 January) એ રાત્રે 3 વાગ્યે ગાંધીનગરમાં એક વિશેષ સંમેલન યોજવામાં આવશે, જેમાં શિક્ષણધામના નિર્માણ અંગે આગળની રૂપરેખા નક્કી કરાશે.