પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ
દિનેશ બાંભણીયાનો દાવો: પાટીદાર અનામત આંદોલનના કેસ પાછા ખેંચાયા, અલ્પેશ ઠાકોરે આવકાર્યું, ચૈતર વસાવાએ વિસ્તૃત માંગણી કરી.

Patidar case: પાટીદાર અનામત આંદોલન સંબંધિત કેસો પાછા ખેંચાયા હોવાનો દાવો દિનેશ બાંભણીયા દ્વારા કરવામાં આવ્યો છે, જેના પગલે રાજકારણ ગરમાયું છે. ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પાટીદાર સમાજના કેસો પાછા ખેંચવાના સરકારના નિર્ણયને આવકાર્યો છે, પરંતુ OBC આંદોલન દરમિયાન થયેલા કેસો પણ પરત ખેંચવાની માંગણી કરીને નવો મુદ્દો ઉઠાવ્યો છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ સરકારના આ નિર્ણયને આવકારતા આદિવાસી, ઓબીસી, ખેડૂતો અને રોજગારી માટે આંદોલન કરી રહેલા યુવાનો પરના કેસો પણ પાછા ખેંચવાની માંગણી કરી છે.
દિનેશ બાંભણીયાના દાવા મુજબ પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા કેસો પરત ખેંચવામાં આવ્યા છે. આ સમાચાર વચ્ચે, ભાજપના ધારાસભ્ય અને ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોરે સરકારના આ પગલાને આવકાર્યું છે. તેમણે જણાવ્યું કે પાટીદાર સમાજના કેસો પાછા ખેંચવાનો સરકારનો નિર્ણય યોગ્ય છે અને તેનાથી સમાજમાં સકારાત્મક સંદેશ જશે.
ટ્રેન્ડિંગ



પરંતુ, અલ્પેશ ઠાકોરે અહીં જ અટક્યા નહોતા. તેમણે સરકારને અપીલ કરી કે જેમ પાટીદાર સમાજના કેસો પાછા ખેંચવામાં આવ્યા છે, તેવી જ રીતે OBC, SC અને ST સમાજના આંદોલનો દરમિયાન થયેલા કેસોનો પણ સરકારે અભ્યાસ કરવો જોઈએ અને તે કેસોને પણ પાછા ખેંચવા જોઈએ.
આ સાથે, ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ગુજરાત સરકાર દ્વારા પાટીદાર આંદોલનના કેસો પાછા ખેંચવાના નિર્ણયને આવકાર્યો છે. પરંતુ, તેમણે સરકાર સમક્ષ વધુ વિસ્તૃત માંગણી કરી છે. ચૈતર વસાવાએ માત્ર ઓબીસી, એસસી અને એસટી સમાજ જ નહીં, પરંતુ આદિવાસીઓ, ખેડૂતો અને રોજગારી માટે આંદોલન કરી રહેલા યુવાનો પરના ગંભીર કેસો પણ પાછા ખેંચવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં વિવિધ વર્ગો અને સમુદાયો દ્વારા થયેલા આંદોલનો દરમિયાન ઘણા લોકો પર કેસો થયા છે, અને જો સરકાર ન્યાયી અભિગમ અપનાવવા માંગતી હોય તો તમામ વર્ગના લોકોના કેસો પાછા ખેંચવા જોઈએ.
આમ, પાટીદાર આંદોલનના કેસો પાછા ખેંચવાના મુદ્દે સરકારે પ્રથમ પગલું ભર્યું છે, પરંતુ હવે OBC, SC, ST અને અન્ય સમાજના નેતાઓ દ્વારા પણ તેમના સમાજના આંદોલનો દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાની માંગણી ઉઠી છે.
આ પણ વાંચો...
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો