Ambalal Patel and Paresh Goswami Rain Forecast: ગુજરાતમાં આગામી દિવસોમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરશે તેવી આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીના મતે, ગુજરાત પર હાલ 1.5 કિલોમીટર ની ઊંચાઈના વાદળો સક્રિય છે, જેના કારણે જુલાઈ મહિનાની શરૂઆતથી રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
ભારે વરસાદની આગાહી
પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશ ઉપર બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે અને તે ખૂબ જ મજબૂત છે. તેનો ટ્રફ અરબ સાગર સુધી લંબાયેલો હોવાથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળે તેવી સંભાવનાઓ છે, જેના પગલે ઓલઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની અપેક્ષા છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, જુલાઈની શરૂઆત સુધીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેના કારણે નાના ડેમો ઓવરફ્લો થવાની પણ સંભાવના છે.
ક્યાં ક્યાં પડશે ધોધમાર વરસાદ?
જુન 28 અને 29 ના રોજ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે. સરેરાશ 2 ઇંચથી 4 ઇંચ સુધી, અને મોટાભાગના વિસ્તારોમાં 5 થી 7 ઇંચ સુધી વરસાદ પડી શકે છે.
- કચ્છ: તમામ વિસ્તારોમાં સારો વરસાદ પડશે.
- સૌરાષ્ટ્ર: દ્વારકા, જામનગર અને પોરબંદરના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબીના તમામ વિસ્તારોમાં સારો વરસાદ પડશે.
- ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વિરમગામ, સાણંદ, બાવળા, અમદાવાદ, અરવલ્લી, પંચમહાલ સહિતના તમામ જિલ્લાઓમાં સારો વરસાદ પડશે, જેમાં અમુક વિસ્તારોમાં તીવ્ર વરસાદની શક્યતા છે.
- મધ્ય ગુજરાત: અમુક વિસ્તારોમાં તીવ્ર વરસાદ જોવા મળશે.
ખેડૂતો અને પશુપાલકો માટે સૂચના
વરસાદના યોગ શરૂ રહેશે, જે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર રહેશે. જોકે, અંબાલાલ પટેલે ખેડૂત ભાઈઓને જુલાઈ 7 પછી લીલા ખેતરમાં આંતરખેડ ન કરવા અનુરોધ કર્યો છે. ઉપરાંત, પશુઓની પણ કાળજી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. જુલાઈ 9 થી 15 માં પણ વરસાદની શક્યતા રહેશે.