Rain: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે નવરાત્રિમાં પણ વરસાદ વરસી શકે છે. તેમણે આગાહી કરી હતી કે નવરાત્રિમાં પવનની ગતિ વધુ રહેશે. ત્રણ ઓક્ટોબરના રોજ દરિયામાં એક સિસ્ટમ બનશે. નવરાત્રિમાં કેટલાક દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રિના શરૂઆતના દિવસોમાં વરસાદની શક્યતા નહીંવત છે. શરદ પૂનમના દિવસે ભારે પવન ફૂંકાઇ શકે છે.
અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. નવરાત્રિમાં પવનની તિવ્રતા વધુ રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. તે સિવાય અંબાલાલ પટેલે 10 થી 14 ઓક્ટોબર વચ્ચે ભારે વાવાઝોડું સર્જાવાની શક્યતા છે.
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ભરૂચ, સાપુતારામાં પણ ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદ વરસશે. લીંબડી, ચોટીલા,થાનમાં વરસાદી ઝાપટાની શક્યતા છે. પોરબંદર જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, સમી, હારીજમાં પણ વરસાદ વરસી શકે છે.
ચાર જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
રાજ્યના ચાર જિલ્લા અને બે સંઘ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ભાવનગર, તો મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નર્મદા અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે.
આ તરફ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય રાજ્યના 10 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, જ્યારે મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, વડોદરામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી અને ડાગમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જ્યારે સંઘ પ્રદેશ દીવમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.
Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વ્યારામાં ખાબક્યો સવા આઠ ઇંચ વરસાદ