અમદાવાદ: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલની આગાહી મુજબ આ વર્ષે નવરાત્રિ દરમિયાન વરસાદની શક્યતા છે.  રાજ્યના અનેક જિલ્લાઓમાં નવરાત્રિ દરમિયાન વરસાદ વિલન બની શકે છે.  અનેક સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે વરસાદ નવરાત્રિ તહેવારમાં મજા બગાડી શકે છે. ખેલૈયાઓની મજા આ વર્ષે વરસાદ બગાડશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

અંતિમ નોરતાઓમાં વરસાદ પડી શકે

અંબાલાલ પટેલની આગાહી મુજબ, વરસાદી માહોલ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ચાલુ રહેશે. સપ્ટેમ્બરના અંતમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને નવરાત્રિના તહેવાર દરમિયાન વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે. આગાહી મુજબ, નવરાત્રિની શરૂઆતમાં ગરમી રહેશે, ત્યારબાદ વાદળછાયું વાતાવરણ રહેશે અને અંતિમ નોરતાઓમાં વરસાદ પડી શકે છે, જેનાથી ગરબાના આયોજનો પર અસર થઈ શકે છે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 30 સપ્ટેમ્બર બાદ ચોમાસુ રાજ્યમાંથી વિદાય લેશે. ઓક્ટોબર મહિનામાં હળવા  ઝાપટા  પડશે.  સપ્ટેમ્બર અંત સુધીમાં ચોમાસાની અસર રહેશે. આ વર્ષનો વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે.

28 ઓગસ્ટના રોજ વરસાદનું જોર વધશે

અંબાલાલ પટેલની આગાહી મુજબ 28 ઓગસ્ટના રોજ વરસાદનું જોર વધશે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં 6 ઇંચથી વધુ અને દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચની આસપાસ વરસાદ પડી શકે છે. આ ભારે વરસાદને કારણે તાપી, નર્મદા અને સાબરમતી જેવી નદીઓમાં જળસ્તર વધી શકે છે. તેમણે સપ્ટેમ્બર મહિનામાં અને નવરાત્રિના અંતિમ દિવસોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

ગુજરાતમાં સરેરાશ 77 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે

ગુજરાતમાં સીઝનનો સરેરાશ 77 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને કચ્છમાં 80 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતમાં 73 ટકા વરસાદ વરસ્યો છે.

27થી 31 ઓગસ્ટ સુધી ઠંડર સ્ટ્રોમ વોર્નિંગ

હવામાન વિભાગે પોતાની આગાહીમાં જણાવ્યું કે 27થી 31 ઓગસ્ટ સુધી ઠંડર સ્ટ્રોમ વોર્નિંગ રહેશે. આવતીકાલે દાહોદ,  પંચમહાલ, મહીસાગર,  છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.  

આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 28 અને 29 ઓગસ્ટ સુધી માછીમારોને ચેતવણી આપવામાં આવી છે.  લો પ્રેસર સિસ્ટમ કન્વર્ટ થતા વરસાદની આગાહી કરાઈ  છે.  રાજ્યમાં સિઝનનો 641.8 એમએમ વરસાદ રહ્યો છે. રાજ્યમાં હાલ સુધીના વરસાદમાં 14 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના ડાયરેકટર એ.કે.  દાસ દ્વારા આ તમામ જાણકારી આપવામાં આવી હતી.