અમદાવાદ: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જળમગ્ન થશે. ઉત્તર ગુજરાતમાં પણ મન મૂકીને મેઘરાજા વરસશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 25 જૂનથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ વરસશે. જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે, આજે સવારે મેઘરવો આવ્યો તે સારો વરસાદ વરસવાનો સંકેત છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં કચ્છમાં પણ ધોધમાર વરસાદ વરસશે. અંબાલાલ પટેલનું કહેવું છે કે, આદરા નક્ષત્રમાં વરસાદનું પાણી સારૂ ગણાય છે.
રાજ્યમાં આગામી ત્રણ દિવસ સારા વરસાદના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સંકેત આપ્યા છે. અંબાલાલ પટેલના અનુસાર આવતીકાલથી બે દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારો વરસાદ રહેશે. 28 જૂન સુધી જૂનાગઢના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે.
જામનગરના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં રાજકોટ સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સમી, હારીજ વિસનગર સહિતના વિસ્તારમાં સારો વરસાદ થશે. અરવલ્લી અને સાબરકાંઠા તથા કચ્છના ભાગોમાં સારો વરસાદ થશે.
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
સૌરાષ્ટ્રમાં જળપ્રલય આવશે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થયું છે. પરિણામે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે.
હવામાન વિભાગના મતે, આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. તેમાં પણ આગામી ત્રણ દિવસ તો મૂશળધાર વરસાદ વરસશે. આજે જામનગર, દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, બોટાદ, સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ વરસશે. 26 જૂને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, વડોદરા, અને છોટાઉદેપુર જિલ્લો થશે જળબંબાકાર. હવામાન વિભાગના અનુસાર, વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે.