Gujarat Rain Forecast: ગુજરાત રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલને આગામી સપ્તાહને લઈને ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી, એટલે કે જૂન 29 થી, રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. આ વરસાદી માહોલ આગામી દિવસોમાં વધુ તીવ્ર બનશે અને રાજ્યભરમાં સારો વરસાદ જોવા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
ભારેથી અતિભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, જુલાઈ 3 થી 7 સુધી રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
કયા વિસ્તારોમાં પડશે વરસાદ?
- દક્ષિણ ગુજરાત: આ વિસ્તારના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે, જે આ વિસ્તાર માટે ખુબ ફાયદાકારક સાબિત થશે.
- મધ્ય ગુજરાત: વડોદરાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
- ઉત્તર ગુજરાત: ઉત્તર ગુજરાત પણ મેઘમહેરથી બાકાત નહીં રહે. સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આમ, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં સારો વરસાદ જોવા મળશે, જે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે અને જળાશયોમાં પણ પાણીની આવકમાં વધારો થશે. નાગરિકોને પણ વરસાદને લગતી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા વિનંતી છે.
ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાની હવામાન વિભાગની આગાહી
ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે, તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયેલા અપર એર સરક્યુલેશનના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના છે.
ભારે વરસાદની આગાહી અને એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ખાસ કરીને 2 થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દિવસો માટે રાજ્યમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જે તંત્રને અને નાગરિકોને સાવચેત રહેવા સૂચવે છે. આ ઉપરાંત, બાકીના સાત દિવસ માટે સમગ્ર રાજ્યમાં 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જે સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવે છે.
અમદાવાદ શહેરમાં પણ આજે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જે સૂચવે છે કે શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
વરસાદી અને વાવાઝોડા જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને, આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આ સૂચના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો અને માછીમારી સાથે સંકળાયેલા લોકો માટે મહત્વપૂર્ણ છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.