Gujarat assembly election 2022: 2017 વિધાનસભામાં કોંગ્રેસનો ગઢ ગણાતા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જંગી જાહેર સભાને સંબોધી હતી. વિધાનસભાની ચૂંટણીઓમાં 2017માં ગીર સોમનાથ જિલ્લામાં ચારેય સીટ કોંગ્રેસને ફાળે ગઈ હતી ત્યારે અમિત શાહે કોડીનારની જનતાને કહ્યું હતું કે ગત વર્ષે તમે ભાજપને નહોતી જીતાડી પરંતુ આ વખતે હું વચન લેવા આવ્યો છું કે તમે કમળ ખીલાવી અને ગાંધીનગર મોકલશો.


 



રામ મંદિરનું નિર્માણ આ તારીખે પૂર્ણ થશે


કોડીનાર ખાતે જાહેર સભા સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, ભાજપ રામ મંદિર નહીં બનાવે તેવા વિપક્ષ અને રાહુલ ગાંધી દ્વારા આરોપ કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી અમને તિથિ પૂછી રહ્યા હતા કે રામ મંદિર ક્યારે બનવાનું છે ત્યારે અમિત શાહે કોડીનાર ખાતેથી રાહુલ ગાંધીને આમંત્રણ આપતા જણાવ્યું હતું કે એક જાન્યુઆરી 2024ની ટિકિટ બુક કરી રાખો રામ મંદિરનું નિર્માણ આ તારીખે પૂર્ણ થશે અને ભવ્ય આકાશને અડતું રામ મંદિર ખુલ્લું મુકવામાં આવશે. સાથે તેઓએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મેધા પાટકર પર નર્મદા ડેમનું પાણી રોકવાના આરોપો લગાવ્યા હતા.


કેન્દ્રમાં 10 વર્ષ કોંગ્રેસના રાજ્યમાં રોજ પાકિસ્તાની સીમામાં ઘુસપેઠ કરતા પણ ત્યારના પ્રધાનમંત્રી કાઈ ના બોલતા પણ મોદી સાહેબે સમજાવ્યું કે મૌની બાબા મનમોહન સિંહ હવે પ્રધાનમંત્રી નથી પણ નરેન્દ્ર મોદી પ્રધાન મંત્રી છે. એમણે પુલવામા વખતે સર્જીકલ સ્ટ્રાઈક કરી સંદેશ આપ્યો વિશ્વને કે ભારતીય સીમા સાથે છેડછાડ ન કરવી. ત્યારે કેજરીવાલ સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા માંગતા હતા. ભારતીય સેનાના જવાનોની વીરતા પર શંકા કરનાર આજે ગુજરાતમાં રાજ કરવા નીકળ્યા છે ત્યારે જનતાએ આ લોકોને ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપવા અમિત શાહે આહવાન કર્યું હતું.


કેન્દ્ર સરકારના કામો અમિત શાહે ગણાવ્યા 


વિધાનસભા માટે મોટાભાગના કેન્દ્ર સરકારના કામો અમિત શાહે ગણાવ્યા હતા તે જણાવ્યું હતું કે ગીર સોમનાથના જ 1.75 લાખ ખેડૂતોને કૃષિ સન્માન નિધિ પૂરી પાડવામાં આવી છે. સમગ્ર ભારતમાં નિશુલ્ક રસીકરણ કરી અને લોકોની રક્ષા કરાય છે. માછીમારોને 200 કરોડથી વધુની સબસીડી આપવામાં આવી છે અને પીએમ કિસાન કાર્ડનો પણ માછીમારોને લાભ અપાયો છે. ત્યારે ચૂંટણીના માહોલમાં ભાજપ અને મોદી સરકાર દ્વારા કરવામાં આવેલ કામોની વણઝાર અમિત શાહે લોકોને ગણાવી હતી. સૌરાષ્ટ્રમાં ત્રણ જિલ્લામાં માત્ર એક સીટ ભાજપને મળી હોય કોંગ્રેસના ગઢ સમાન ગિરસોમનાથ જિલ્લામાં ભાજપને જીતાવવા માટે સીએમ, પીએમ, હોમ મિનિસ્ટર સહિતની નેતાઓની ફોજ પ્રચાર કાર્યમાં કામે લાગી છે.


કોડીનાર ખાતે પહેલા સીએમ ભુપેન્દ્ર પટેલ બે દિવસ પછી સોમનાથમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આજે કોડીનારમાં ફરી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સભા ગજાવી હતી. કોઈપણ ભોગે સૌરાષ્ટ્રમાં 2017 ના આંકડાઓ ફરીથી રિપીટ ન થાય તેના માટે ભાજપનું મોવડી મંડળ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે આ જ પ્રકારનો પ્રચાર 2017 માં નિષ્ફળ ગયો હતો ત્યારે 2022માં આ ઝંઝાવાતિ પ્રચાર લોકોના વોટ મેળવવામાં કેટલો કારગર નીવડે છે તે 8 ડિસેમ્બરે જ ખ્યાલ આવશે.