અમરેલીઃ સામાન્ય લોકો પાસેથી નિયમોના ભંગના નામે રૂપિયા વસૂલવામાં આવે છે. વિવિધ દંડના નામે રોજના લાખો રૂપિયાથી સરકારી તિજોરી ભરાય છે. પરંતુ ખુદ સરકારના નેતાઓ જ કાબૂમાં નથી. ભાજપના જ નેતાઓ કોરોનાની ગાઈડલાઈનને અનુસરતા નથી, અને સરેઆમ ભંગ કરતા જોવા મળે છે. છતાં તેમના પર કોઈ પગલા લેવાતા નથી. ત્યારે વધુ એક ભાજપના નેતાનું કારનામું સામે આવ્યું છે.  


ભાજપના વધુ એક નેતાએ સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ઉલાળિયો કર્યો હતો. લગ્નપ્રસંગે જાહેરમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરીને લોકો ભેગા કરવામાં આવ્યા હતા અને ઝૂમ્યા હતા. અમરેલી ભાજપના નેતા અને અમર ડેરીના અધ્યક્ષ અશ્વિન સાવલીયાના પુત્રના લગ્ન પ્રસંગે સોશિયલ ડિસ્ટન્સના નિયમને નેવે મૂકી દેવામાં આવ્યો હતો. આ લગ્નમાં ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા.


સામાન્ય લોકોને લગ્નપ્રસંગમાં 50 લોકોની એન્ટ્રી માન્ય છે, ત્યારે અમરેલીમાં ભાજપના નેતાએ પુત્રના લગ્નમાં ટોળુ ભેગુ કર્યું હતું. કોરોનાની ગાઇડલાઈન અને રાજ્ય સરકારના નિયમોના ધજાગરા ઉડાડતા દ્રશ્યોનો વીડિયો સામે આવ્યો છે. સામાન્ય લોકો કોરોનાના વધતા કહેરને ધ્યાનમાં રાખી પોતાના નિર્ધારિત માંગલિક પ્રસંગો મોકૂફ કરી રહ્યા છે, ત્યારે ભાજપના પદાધિકારીઓ જ નિયમો તોડી રહ્યા છે.




સાબરકાંઠામાં વરરાજા સહિત 17 સામે ફરિયાદ


સાબરકાંઠાના પ્રાંતિજના અમરાપુર ગામે લગ્ન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકઠા  થતાં પોલીસે કાર્યવાહી કરી હતી. વરઘોડામાં સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના ગાઈડલાઈનનો અમલ ન થતાં ડીજે સહિતનો માલસામાન જ્પત કરી કાર્યવાહી કરી હતી. વગર મંજૂરીએ લગ્ન અને વરઘોડો કાઢતા બદલ મંડપ, ડીજે, ફોટોગ્રાફર, ઘોડા ચાલક, વરરાજા, વરરાજાના પિતા સહિત 17 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.


ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર


બુધવારે રાજ્યમાં પ્રથમ વખત 12,553 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 125 લોકોનાં મૃત્યુ થયા હતા તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5740 પર પહોંચી ગયો છે. રાજ્યમાં બુધવારે 4802 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,50,856 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 84 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 84126 પર પહોંચ્યો છે. જેમાંથી 361 લોકો વેન્ટિલેટર પર અને 83765 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.61 ટકા છે.