બગસરાઃ અમરેલીના બગસરામાં હાહાકાર મચાવનાર માનવભક્ષી દીપડાને ગઈકાલે વનવિભાગની ટીમે ઠાર માર્યો હતો. દીપડો ઠાર મરાતા સ્થાનિકોએ રાહતનો દમ લીધો છે પરંતુ ગીર પંથકના પાંચ તાલુકા અને ચાર જિલ્લા હજુ પણ દીપડાના આતંકથી થથરી રહ્યા છે. આ દરમિયાન ફરી એક વખત બગસરામાં દીપડાનો આતંક સામે આવ્યો છે.


મળતી માહિતી મુજબ, બગસરાના હામાપુર રોડ પર સંજયભાઈ દેવમુરારીના ખેતરમાં દીપડાએ બળદ પર હુમલો કરીને ઘાયલ કર્યો હતો. દીપડાના હુમલાથી ખેડૂતોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. હાલ ખેતી સીઝન ચાલુ છે તેવા સમયે જ ફરી દીપડાના હુમલાથી ખેડૂતોને ખેતરે જવામાં પણ બીક લાગી રહી છે.

ગીરમાં સિંહોની વસતિની સાથે સાથે દીપડાઓની વસતિ વધી રહી છે. વર્ષ 2006માં થયેલી વસતિ ગણતરી મુજબ 1070 દીપડાઓની સંખ્યા 2016માં 1395 થઈ અને હાલ વસતિ અંદાજે 1500એ પહોંચી ગઈ છે. જ્યારે દીપડાઓના હુમલાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે 500 ટકાનો વધારો થયો છે.

1 એપ્રિલ 2019થી અત્યાર સુધીમાં દીપડાએ 15 જેટલા લોકોને ફાડી ખાધા

ગીર પંથકમાં એપ્રિલ 2018થી માર્ચ 2019 દરમિયાન દીપડાના હુમલાઓમાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે 1 એપ્રિલ 2019થી અત્યાર સુધીમાં દીપડાએ 15 જેટલા લોકોને ફાડી ખાધા છે. આમ ચાલુ વર્ષે દીપડાઓના હુમલામાં મોતને ભેટેલા લોકોની સંખ્યામાં 500 ટકા જેટલો વધારો થયો છે.

દીપડાઓની વસતિમાં કુદકેને ભૂસકે વધારો

ગુજરાતમાં દીપડાઓની વધતી સંખ્યા વિષે વાત કરીએ તો છેલ્લા 10 વર્ષમાં 30 ટકા દીપડાઓ વધ્યા છે. વર્ષ 2006માં થયેલી વસતિ ગણતરી મુજબ 1070 દીપડાઓ હતા, જે વર્ષ 2011માં 1160 થયા હતા. ત્યાર બાદ 2016માં દીપડાઓની સંખ્યા 20.25 ટકા વધીને 1395એ પહોંચી હતી. આમ એક દાયકામાં દીપડાઓની સંખ્યામાં 30 ટકાનો વધારો થયો હતો.કુલ દીપડાઓમાં 34 ટકા દીપડાઓ એટલે કે આશરે 470થી વધુ માનવ વસતિની આસપાસ વસવાટ કરે છે. દીપડો હિંસક પ્રાણી હોવાથી દીપડાનો વસતિ વધારો હાલ ખેડૂતો, રાજ્ય સરકાર અને વન વિભાગ માટે ચિંતાજનક સાબિત થઈ રહ્યો છે.

હૈદરાબાદ એન્કાઉન્ટરઃ સુપ્રીમ કોર્ટે કહ્યું- તમામને સચ્ચાઈ જાણવાનો હક, સ્વતંત્ર તપાસ થવી જોઈએ

પાકિસ્તાનમાં આ વર્ષે ગૂગલ પર છવાયા વિંગ કમાન્ડર અભિનંદન, ટોપ-10માં બોલીવુડની એક અભિનેત્રી પણ સામેલ