Latest Amreli News: અમરેલી જિલ્લામાં (Lions in Amreli) સિંહોની મોટી વસતિ છે. આ દરમિયાન જાફરાબાદના બાબરકોટ માઇન્સ (Jafrabad Babarkot mines area) વિસ્તારમાં એક સાથે 12 સિંહોનું ટોળુ (12 lions) જોવા મળ્યું હતું. માઇન્સ વિસ્તારમાં સૌથી વધુ સિંહોનો વસવાટ છે.  સિંહણ, સિંહ, સિંહબાળ મોબાઈલમાં કેદ થયા હત. ધોળા દિવસે સિંહોના ગ્રુપ માઇન્સ વિસ્તારમાં ફરી રહ્યા છે અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ સિંહના ટોળામાં 3 સિંહણ અને 9 પાઠડા સિંહો દેખાઈ રહ્યા છે. વિડીયોમાં સિંહ એકબીજા સાથે ગમ્મત કરતા જોવા મળ્યા છે. હવે વીડિયો સામે આવ્યા બાદ વનવિભાગના તંત્ર સામે પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે.સિંહોની સુરક્ષાના બણગાં ફૂંકાતા વનવિભાગના કર્મીઓની ગેરહાજરી અહી વર્તાઇ હતી. એકસાથે આટલી સંખ્યામાં સિંહ લટાર મારે અને વનવિભાગના કર્મીને જાણ પણ ન હોય તે બાબત ઘણા પ્રશ્નો ઊભા કરે છે.


દેવરાજીયા ગામની સીમ વિસ્તારમાં ધોળા દિવસે સિંહે યુવક પર હુમલો કર્યો


અમરેલીના દેવરાજીયા ગામની સીમ વિસ્તારમાં ધોળા દિવસે સિંહે હુમલો કર્યાની ઘટના સામે આવે છે. દેવરાજીયાથી તરકતળાવ જવાના રસ્તે આવેલા ગૌચરની સીમમાં ઘટના બની હતી. દેવરાજીયાના ચોથાભાઈ ગેલભાઈ પડસાળીયા નામનો 28 વર્ષીય યુવક ઘેટાં-બકરાં ચરાવતા હતો તે દરમિયાન સિંહે યુવક પર હુમલો કર્યો હતો. માલધારી યુવકને ઈજા પહોંચતા સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.


થોડા દિવસ પહેલા ઓઝત ડેમના છેવાડે પાણીમાં તરતો સિંહનો મૃતદેહ મળતાં ચકચાર મચી જવા પામી હતી. જંગલ ખાતાંનાં જૂનાગઢ ડિવિઝન અને ગીર પશ્ચિમ ડિવિઝનની બોર્ડર પરથી શંકાસ્પદ હાલતમાં સિંહનો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ ખૂબ જ કોહવાયેલો હોવાથી સિંહનાં મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. બંને ડિવિઝનના સ્ટાફ દ્વારા થુંબાળા અને ઘંટીયાણની ઓઝત નદીના કાંઠા વિસ્તારમાં કોમ્બિંગ કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. મૃતદેહ એટલી હદે કોહવાઈ ગયો હતો કે તેનું પોસ્ટમોર્ટમ કરવું એ પણ એક પડકાર હતો. સિંહનો મૃતદેહ પાણીમાં તરતો હોવાની વન વિભાગને જાણ કરતા જૂનાગઢ નોર્મલ ડીવીઝન અને વિસાવદર રેન્જનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી પાણીમાંથી મૃતદેહને બહાર કાઢી સક્કરબાગ ઝુ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ઓઝત નદીના બંને કાંઠા પર વન વિભાગ દ્વારા કોમ્બીંગ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી.