Amreli Rain: અમરેલી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે લાઠી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેના કારણે ખેતરો પાણીથી તરબોળ થયા છે. લાઠીના દુધાળા, સલડી, મતીરાળા સહિતના ગ્રામ્ય પંથકોમાં અંનરાધાર વરસાદ ખાબકયો છે, જેને પગલે ઠેર ઠેર ખેતરોમાંથી વરસાદી પાણી વહેતા થયા છે. લાઠીના મતીરાળા ગામની ચારે તરફ સીમ વિસ્તારના પાણી મતીરાળા ગામ ફરી વળ્યા છે, મતીરાળા ગામની જે મુખ્ય બજાર છે તેમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. તમામ પાક નિષ્ફળ જવાની ખેડૂતોને દહેશત છે. ભારે વરસાદને કારણે મતીરાળા ગામમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
સતત વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે. ધારી ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમા ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ગીરના ધારી, સુખપુર, ગોવિંદપુર, ચલાલા, જર, કથિવદર ચરખા, સહિતના ગ્રામ્ય પંથકો વરસાદ શરૂ થયો છે. સાવરકુંડલના નાના ભમોદ્રા, ઓળિયા, ચરખડીયા, બોરાળા, ખડકાળા સહિતના ગામડાઓમાં પણ વરસાદ છે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ પડતાં ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ છે.
આજે નવસારીમાં બે કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે સમગ્ર શહેર જળમગ્ન બની ગયું છે. વિસ્તારો બોટમાં ફેરવાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. નવસારીના સેન્ટ્રલ બેંક વિસ્તારમાં કાર તણાઇ હતી. એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ કાર તણાયાનો વીડિયો બનાવ્યો હતો. ભારે વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે. શાંતાદેવી વિસ્તારમાં દિવાલ પડતા બે કાર દબાઈ હતી. શાંતિનાથ એપાર્ટમેન્ટ નીચે પાર્ક કરેલી કાર પર દિવાલ પડતાં કચ્ચરઘાણ બોલી ગયો હતો. વરસાદના કારણે ઘરો તેમજ દુકાનોમાં પાણી ભરાયા ગયા છે. શાળાએથી પરત ફરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ અટવાયા છે. અનેક બાઈક અને કાર ખોટકાતા ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવ્યા છે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
રાજ્યમાં ચોમાસાના ત્રીજા રાઉન્ડમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર બાદ હાલ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું, આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે રહેશે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં મેઘતાંડવ યથાવત રહેશે. આહવા, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં 12 ઇંચ કરતાં વધુ વરસાદ પડી શકે છે. નવસારી અને સુરતમાં 6થી 8 ઇંચ, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 4 ઇંચથી વધુ વરસાદ પાડવાની આગાહી છે. કચ્છ અને પંચમહાલના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે. 24મી જુલાઈથી ગુજરાતમાં વાતાવરણ હળવું થવાનું અનુમાન છે.
Join Our Official Telegram Channel: