દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે અમદાવાદથી આઝાદી કા અમૃત મહોત્સવને લીલીઝંડી આપશે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અમદાવાદના સાબરમતી આશ્રમથી 21 દિવસ સુધી ચાલનારી દાંડી યાત્રાને લીલી ઝંડી આપશે.


ભારતની સ્વતંત્રતા સંઘર્ષ દરમિયાન મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમમાં જ રહેતા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી આજે અમદાવાદના સાબરમતી આશ્રમથી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની શરૂઆત કરાવશે.


મહાત્મા ગાંધીના નેતૃત્વમાં 1930માં સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધી દાંડી માર્ચ યોજવામાં આવી હતી. આ માર્ચ બ્રિટિશ સરકારના મીઠાના એકાધિકારના વિરોધમાં અહિંસક પ્રદર્શન હતુ.


પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સવારે 10 વાગ્યે અમદાવાદ એયરપોર્ટ પર પહોંચશે. જ્યાંથી તેઓ સાડા દસ વાગ્યે સાબરમતી આશ્રમ પહોંચશે અને બપોરના સાડા બાર વાગ્યા સુધી અલગ અલગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 


કાર્યક્રમ બાદ પીએમ મોદી દાંડી પુલથી પ્રતિકાત્મક દાંડીયાત્રાને લીલી ઝંડી આપશે. દાંડી માર્ચને લીલી ઝંડી આપ્યા બાદ પ્રધાનમંત્રી મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પ્રતિકરૂપે આ દાંડીયાત્રામાં જોડાશે. તેમની સાથે કેંદ્ર અને રાજ્ય સરકારના કેટલાક મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.