Banaskantha: પાલનપુરની ઝાયકા હોટલ જોડેથી રોહિત ઠાકોર નામના યુવકનું અપહરણ કરી માર મારી તેનો અશ્લીલ વિડિયો બનાવવાની ઘટના સામે આવી છે.  આરોપીઓએ યુવકની અશ્લિલ વીડિયો બનાવી ધમકી પણ આપી હતી. જે બાદ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર એક યુવતીએ ફોન કરી યુવકને મળવા બોલાવ્યો હતો. બાદમાં તેને માર મારી આંખો ઉપર પટ્ટી બાંધી યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. યુવકને દાંતીવાડા ડેમ નજીક લઈ જઈ તેને માર મારી નગ્ન વિડિયો ઉતારી તેને ધમકી આપી છોડી મુકાયો હતો. પીડિત યુવકે 7 શખ્સો સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલમાં પાલનપુર પશ્ચિમ પોલીસે યુવકની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


નવસારીમાં પતિના મોતના સમાચાર મળતાં જ પત્નીએ પણ પ્રાણ ત્યજી દીધા


નવસારી: શહેરમાં એક ચોંકાવનરી ઘટના સામે આવી છે. અહીં એક દંપત્તિ સાથે જીવ્યું અને સાથે જ મોતને વ્હાલું કર્યું. પતિના મોતની ખબર મળતા જ પત્નીએ પણ પ્રાણ છોડ્યા હતા. નવસારીના ખેરગામ તોરણવેરા ગામના 38 વર્ષીય અરૂણ ગાવિતનું ગુરૂવારે રાતે બાઈક સ્લીપ થતા મોત થયું. અરૂણ ગાવિતના મોતની વાત જાણતા જ પત્ની ભાવના ગાવિત બેસુધ થઈ ઢળી પડી. સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી પણ હ્રદયરોગના હુમલાને કારણે પત્ની ભાવનાએ પણ પ્રાણ છોડ્યા. પતિના મોતના અડધા કલાકમાં જ પત્નીના મોતથી બે માસૂમ બાળકોએ માતા પિતાની છત્ર છાયા ગુમાવી દીધી. મૃતક ભાવના ગાવીત ખેરગામના પૂર્વ સરપંચ હતા. સેવાભાવી દંપતિના મોતથી તોરણવેરામાં શોકનો માહોલ છવાયો છે.


કુમાર વિશ્વાસને RSS સામે કરેલી ટિપ્પણી ભારે પડી


વડોદરા: કુમાર વિશ્વાસને આરએસએસ સામે કરેલી ટિપ્પણી ભારે પડી છે. 3 અને 4 માર્ચના રોજ નવલખી મેદાન પર આયોજિત અપને અપને શ્યામ નામનો કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરવાની જાહેરાત કરવામાં આવી છે. વર્ડ વિઝાર્ડ ફાઉન્ડેશન અને સમન્વય દ્વારા આયોજિત કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. સમન્વયના જીગર ઇનામદાર દ્વારા કુમાર વિશ્વાસને વડોદરા ખાતેના કાર્યક્રમ માટે આમંત્રણ અપાયું હતું, નોંધનીય છે કે, કવિ કુમાર વિશ્વાસે થોડા દિવસ પહેલા એક કથા દરમિયાન ટિપ્પણી કરી હતી. જેને લઈને ખુબ વિવાદ થયો હતો. જે બાદ બીજેપી અને આરએસએસના આગેવાનો દ્વારા કુમાર વિશ્વાસ સામે તીખી ટિપ્પણ પણ કરવામાં આવી હતી. જો કે વિવાદ બાદ કુમાર વિશ્વાસે માફી પણ માગી હતી.