Kanti Amrutiya: મોરબીમાં રાજકીય પક્ષો વચ્ચે ચાલી રહેલું 'ચેલેન્જ વોર' વધુ ગરમાયું છે. તાજેતરમાં, કૉંગ્રેસ દ્વારા નગરપાલિકા ઘેરાવની જાહેરાત બાદ, મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વધુ એક ચેલેન્જ આપી છે. આ વખતે તેમની ચેલેન્જ સીધી મોરબીની જનતાને છે, જેમાં તેમણે આગામી છ મહિનામાં શહેરના તમામ વિકાસ કાર્યો પૂર્ણ કરી દેવાનો દાવો કર્યો છે.

કાંતિ અમૃતિયાના વાયદા: "મોરબીની જનતાને ખાતરી આપું છું..."

ABP અસ્મિતા સાથેની વાતચીતમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જણાવ્યું કે, "લાતી પ્લોટ સહિતના વિસ્તારોમાં આગામી 15 દિવસમાં કામ શરૂ થઈ જશે. ભૂગર્ભ ગટર અને પાણીના નિકાલની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવશે." તેમણે મોરબીની જનતાને આશ્વાસન આપતા કહ્યું કે, "હું મોરબીના જનતાને વિશ્વાસ અને આશ્વાસન આપું છું કે રોડના તમામ કામો થઈ જશે." આંદોલનો કોણ કરી રહ્યું છે તે મુદ્દે બોલવાનું ટાળતા તેમણે સ્વીકાર્યું કે, "મોરબીના લોકોનો પ્રશ્ન છે તે સાચી વાત છે."

અમૃતિયાએ ભારપૂર્વક કહ્યું કે, "આગામી છ મહિનામાં મોટાભાગના કામો પૂરા થઈ જશે. મોરબીની જનતાને ખાતરી આપું છું કે તમામ વિસ્તારોમાં રોડ-રસ્તાના કામ થઈ જશે. ધારાસભ્ય તરીકે અમારી જવાબદારી છે કે લોકોને મુશ્કેલી ન પડે." તેમણે ઉમેર્યું કે, "રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓના ટેન્ડર પણ પ્રસિદ્ધ થઈ ગયા છે."

મોરબીના લોકોનો રોષ

મોરબીમાં પ્રાથમિક સુવિધાઓની કથળતી જતી સ્થિતિને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જનઆંદોલનો શરૂ થયા છે, અને લોકો કલાકો સુધી રસ્તાઓ પર ચક્કાજામ કરી રહ્યા છે, ત્યારે જઈને તંત્ર દ્વારા રોડ-રસ્તાની સુવિધાઓ આપવાની વાત થાય છે. લોકોનો આક્ષેપ છે કે જનપ્રતિનિધિઓ આવા સમયે ક્યાંય દેખાતા નથી.

કાંતિ અમૃતિયા ગાંધીનગરથી આવ્યા બાદ તેમના બેબાક નિવેદનો જોવા મળ્યા હતા, અને ગોપાલ ઈટાલિયા તથા કાંતિભાઈ વચ્ચેના વાક્યુદ્ધના પગલે રાજીનામા સુધી વાત પહોંચી હતી. આના પર મોરબીવાસીઓએ રોષ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે, રોડ-રસ્તા, ગટર અને લાઈટની સુવિધા માટે અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા આંદોલનો શરૂ કરવા પડ્યા હતા. પરંતુ, જ્યારે કાંતિ અમૃતિયાએ રાજીનામાની વાત કરી, ત્યારે પ્રજા વધુ રોષે ભરાઈ છે. મોરબીવાસીઓ વેધક સવાલો ઉઠાવી રહ્યા છે કે, "ફરી ચૂંટણી આવે ત્યારે તેના પર બોજો શા માટે આવશે? અને જો રાજીનામું આપવું જ હોય તો પ્રજાએ તમને શા માટે ચૂંટીને મોકલ્યા છે?" આ સ્થિતિ દર્શાવે છે કે મોરબીના લોકો તેમના પ્રતિનિધિઓ પાસેથી માત્ર વાયદા નહીં, પરંતુ નક્કર કામગીરીની અપેક્ષા રાખી રહ્યા છે.