Gujarat Cabinet Expansion 2025 : ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રી મંડળનો શપથ ગ્રહણ સમારોહ ચાલી રહ્યો છે. સૌથી પહેલા મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. બાદમાં જીતુભાઈ વાઘાણીએ શપથ લીધા હતા. પોરબંદરથી ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ કેબિનેટ મંત્રીના શપથ લીધા છે. અર્જૂનભાઈ મોઢવાડિયાને મત્યઉદ્યોગ જેવુ મહત્વનું ખાતું મળી શકે છે.
ભૂપેન્દ્રભાઈ સહિત નવા મંત્રી મંડળમાં કુલ 26 નેતાઓ મંત્રી બન્યા છે. નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળી રહ્યો છે. ગુજરાતના રાજકારણમાં હંમેશા સૌરાષ્ટ્ર કેંદ્રમાં રહે છે. આ વખતે પ્રદેશ પ્રમુખ અમદાવાદમાંથી બનાવવામાં આવતા ચર્ચાઓ હતી કે કેબિનેટ વિસ્તરણમાં સૌરાષ્ટ્રના નેતાઓને વધારે પ્રતિનિધિત્વ મળશે.
અર્જૂનભાઈ મોઢવાડિયા રાજકીય સફર
પોરબંદરના ધારાસભ્ય અર્જૂનભાઈ મોઢવાડિયાનો જન્મ 17 ફેબ્રુઆરી 1957ના રોજ પોરબંદરના મોઢવાડા ગામે થયો હતો. સામાન્ય ખેડૂત પરિવારમાં એક ભાઈ અને બે બહનો સાથે તેમણે પોતાનું બાળપણ વિતાવ્યું. બાળપણ જ અર્જુનભાઈને લોકો પ્રત્યે નમ્રતા અને સમ્માનના ગુણો વિકસાવી લીધા હતા. જમીની સ્તર પર કામ કરવાનો અનુભવ આજે પણ તેમને જમીન સાથે જોડેલા રાખે છે. અર્જૂનભાઈ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. કૉંગ્રેસમાં પણ તેઓ દિગ્ગજ નેતા હતા. કૉંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ અને નેતા વિપક્ષ પણ તેઓ રહી ચૂક્યા હતા. 2002માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા એ સાથે જ તેમને વિધાનસભામાં દંડકની જવાબદારી સોંપવામાં આવી હતી.
અર્જૂનભાઈ મોઢવાડિયા પોતાનું પ્રાથમિક શિક્ષણ પોતાના ગામ મોઢવાડાના સરકારી શાળામાં પૂર્ણ કર્યુ હતું. બાદમાં 1982માં મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરની સ્નાતક પદવી મેળવેલ છે. શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો અંદાજ એ વાત ઉપરથી જ લગાવી શકાય તેમ છે કે 1982થી 2002 સુધી તેઓ રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડીકેટ સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતાં. યુનિવર્સિટીમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ શિક્ષણની ગુણવત્તામાં સુધારા માટે સક્રિય ભાગ ભજવતા રહ્યા હતાં.
મોઢવાડિયાએ લગભગ 10 વર્ષ સુધી ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે કામ કર્યુ. આ પોસ્ટ પર કામ કરતા તેમના અનેક સાથીઓ આજે સફળ મેરીટાઈમ એન્જિનિયરની કારકિર્દી બનાવી શક્યા. પરંતુ અર્જુન મોઢવાડિયાનો જીવનનો ધ્યેય લોકસેવાનો હતો. એટલે 1993 માં તેમણે નોકરી છોડીને પોતાનું જીવન પૂર્ણ રીતે જન સેવામાં સમર્પિત કર્યુ.