ભુવનેશ્વર: કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન (CoBRA) ના એક જવાને આજે વહેલી સવારે ઓડિશાના કોરાપુટ જિલ્લામાં તેની સર્વિસ રિવોલ્વરનો ઉપયોગ કરીને આત્મહત્યા કરી લીધી.
મૃતકની ઓળખ ગુજરાતના દ્વારકા વિસ્તારના રહેવાસી સોલંકી દિલીપભાઈ ગોવાભાઈ તરીકે થઈ છે.
શહીદ જવાનનો પાર્થિવ દેહ તેમના માદરે વતન ઝારેરા ખાતે લાવી આજે અંતિમ યાત્રા કરવામાં આવશે. શહીદ થતા સગર સમાજ અને દ્વારકા જિલ્લામાં શોકની લાગણી પ્રસરી છે.
કોરાપુટમાં સુનાબેડા પોલીસ સીમા હેઠળના રાજપૂત વિસ્તારમાં તૈનાત કરાયેલા દિલીપે સવારે લગભગ 3.40 વાગ્યે તેની સર્વિસ રિવોલ્વરનો ઉપયોગ કરીને પોતાની જાતને તેની ગળા નીચે ગોળી મારી દીધી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ ઘટના ત્યારે બની જ્યારે દિલીપ પોતાની છાવણીના ગેટ નં. 2 ખાતે તૈનાત હતા. તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, એમ સૂત્રોએ ઉમેર્યું હતું.
જાણ થતાં સુનાબેડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
“અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. અમે હજુ સુધી કોબ્રા જવાનની આત્મહત્યા પાછળનું કારણ શોધી શક્યા નથી, ”સુનાબેડાના ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ રામાણી રંજન ડેલીએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે, કેન્દ્રએ 2008માં ઓડિશા સહિત ભારતના કેટલાક રાજ્યોમાં નક્સલી ખતરાનો સામનો કરવા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)માં કોબ્રાની રચના કરી હતી.