Gujarat assembly election 2022: એક બાજુ ઠંડીનો પારો ઉચકાઈ રહ્યો છે તો બીજી બાજુ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાઇ રહ્યો છે. વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં રાજકીય પક્ષો જોર સોરથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે અમરેલી વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો અહીંયા ભાજપ, કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાને છે. આજે કોંગ્રેસના ગઢ કહેવાતા અમરેલીમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રોડ શો કર્યો હતો.


 






આમ આદમી પાર્ટીના રોડ શોમાં અમરેલીના મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર હતા. આ અવસરે પોતાના ભાષણમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે,  જ્યારે પૃથ્વી પર પાપ વધે છે, ત્યારે ઉપર વાળો પોતાનું ઝાડું ચલાવે છે. આજે હું ગુજરાતના દરેક પરિવારનો ભાગ બની ગયો છું. અમારી સરકાર બનશે તો હું તમારો ભાઈ બનીને તમારા પરિવારની જવાબદારી સંભાળી લઇશ. સમગ્ર ગુજરાતમાં હું જ્યાં પણ જાઉં છું ત્યાં પરિવર્તનની આંધી ચાલી રહી છે. પેપર ફૂટતા નથી, પેપર વેચાય છે ને આક્ષેપ કર્યો હતો. અમારી પ્રામાણિક સરકાર છે, અમે એક પણ પેપર ફૂટવા નહીં દઈએ. મેં દિલ્હીમાં જે કામ કર્યું છે, મેં જે કામ કરીને બતાવ્યું છે તે જ કામ કરવાની વાત કરી રહ્યા છે,


જે પાર્ટીએ 27 વર્ષ તમારા માટે કંઈ કર્યું નથી તે આગામી 5 વર્ષમાં તમારા માટે કંઈ નહીં કરે. આજે ગુજરાતના લોકો મોંઘવારીથી ત્રસ્ત છે, હું તમારો ભાઈ બનીને તમારી મોંઘવારી દૂર કરી દઈશ. અમારી સરકાર બન્યા પછી હું 1 માર્ચથી તમારું વીજળીનું બિલ હું ચૂકવીશ. તમે આ લોકોને 27 વર્ષ આપ્યા, મને માત્ર 5 વર્ષ આપી જુઓ, જો ના ગમે તો મને ધક્કો મારીને કાઢી બહાર કાઢી મુકજો. ગુજરાતમાં પણ દિલ્હીની જેમ શાનદાર શાળા બનાવીશ. બાળકોને સારુ ભવિષ્ય આપવાની વાત અરવિંદ કેજરીવાલે કરી હતી. અરવિંદ કેજરીવાલના આ રોડ શોમાં અમરેલી જિલ્લાની પાંચેય બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જોડાયા હતા. મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો રોડ શોમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપર રોડ શો દરમિયાન ફૂલોની વર્ષા કરવામાં આવી હતી.


 ભગવંત માનનો ઉમરગામમાં એક રોડ શો


તો બીજી તરફ પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક ભગવંત માન આજે વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. સૌપ્રથમ તેઓએ ઉમરગામ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોક પટેલના સમર્થનમાં ઉમરગામમાં એક રોડ શો યોજ્યો હતો. મહત્વપૂર્ણ છે કે ઉમરગામ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોક પટેલ 2017માં કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. અને આ વખતે તેઓ આમ આદમી પાર્ટીની ટિકિટ પર ઉમરગામ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. આથી અશોકભાઈ પટેલના ચૂંટણી પ્રચાર માટે આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉમરગામમાં રોડ શોમાં પહોંચ્યા હતા. 


તેમના રોડ શોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ઉમેદવાર અશોક પટેલ પણ જોડાયા હતા. જોકે ભગવંત માનના રોડ શો દરમ્યાન અને ભગવંત માન ના  સંબોધન વખતે ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ મોદી મોદીના નારા લગાવ્યા. જેને કારણે થોડા સમય સુધી વાતાવરણ ગરમાયું હતું. જોકે ફરજ પર તૈનાત  પોલીસકર્મીઓએ મોદી મોદીના નારા લગાવતા ભાજપના કાર્યકર્તાઓને દૂર કર્યા હતા. પોતાના સંબોધન વખતે પણ ભાજપના કાર્યકર્તાઓએ મોદી મોદીના નારા લગાવતા ભગવંત માને પણ ભાજપના કાર્યકર્તાઓ પર ટિપ્પણી કરી હતી. આમ આદમી પાર્ટીના ઉમરગામમાં યોજાયેલા રોડ શોમાં ભગવંત માને ઉપસ્થિત લોકોને આ વખતે બદલાવ માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને સમર્થન કરવા અને ઉમરગામ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોક પટેલને વિજય અપાવવા માટે લોકોને અપીલ કરી હતી.