Gujarat Assembly Election 2022: જ્યારથી વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. અર્બુદા સેના દ્વારા અનેક જગ્યાએ સંમેલનો યોજી વિરોધ પણ કરવામાં આવ્યો છે. હવે આ કડીમાં એક મહત્વની માહિતી સામે આવી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ આવતીકાલે અર્બુદાસેના મહાસંમેલનમાં ભાગ લેશે.


આવતીકાલે એટલે કે 15 નવેમ્બરના રોજ અર્બુદસેના આમ આદમી પાર્ટીને સમર્થનની ઘોષણા કરી શકે છે. આ ઉપરાંત આવતીકાલે વિપુલ ચોધરી આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે, વિપુલ ચોધરી આમ આદમી પાર્ટીની ટિકિટ પર વિસનગર બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. જો કે આ અંગે આમ આદમી પાર્ટી તરફથી કોઈ સત્તાવાર માહિતી આપી નથી.


 



ગુજરાતની જનતા AAP ને પ્રેમ આપી રહી છે


AAPના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ABP અસ્મિતા સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે દિલ્હી મ્યુનિસિપલ ચૂંટણી, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ સાથે તેમણે ભાજપ પર પણ જોરદાર પ્રહારો કર્યા હતા. અરવિંદ કેજરીવાલે કહ્યું કે લોકશાહીમાં જનતા સૌથી મોટી છે. ગુજરાતની જનતા પ્રેમ આપી રહી છે. ગુજરાતમાં અપેક્ષા કરતાં વધુ પ્રેમ મળી રહ્યો છે.


તેમણે કહ્યું કે શાળાઓ અને હોસ્પિટલોના કારણે આમ આદમી પાર્ટીને સમર્થન મળી રહ્યું છે. ગુજરાતના લોકો દિલ્હી મોડલ જોઈ રહ્યા છે. લોકોને અમારા એજન્ડામાં આશા દેખાઈ રહી છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં મારી જાહેરાતોની મજાક ઉડાવવામાં આવી. દિલ્હીમાં મેં તમામ કામ એક જ બજેટમાં કર્યા છે અને બજેટ ખોટમાં પણ  નથી.


"હું કટ્ટર  ઈમાનદાર છું"


દિલ્હીના સીએમએ કહ્યું કે પંજાબમાં પણ વીજળી બિલ મફત કરવામાં આવ્યું છે. 1 માર્ચ પછી ગુજરાતમાં મફત વીજળી મળશે. અમારા પર બળજબરીથી કીચડ ફેંકવામાં આવી રહ્યો છે. ભ્રષ્ટાચાર છુપાવવા માટે ભ્રષ્ટાચારીઓ કાદવ ઉછાળી રહ્યા છે. હું કહું છું કે હું કટ્ટર ઈમાનદાર છું. કોઈ પણ નેતામાં પોતાને કટ્ટર પ્રમાણિક કહેવાની હિંમત નથી. અમારા પર આરોપ લગાવ્યા, પરંતુ કોઈ પુરાવા નથી. જનતા જાણે છે કે કેજરીવાલ ઈમાનદાર છે.


જનતા અમારી સાથે છે"


AAP કન્વીનરે વધુમાં કહ્યું કે અમે દેશની રાજનીતિ બદલવા આવ્યા છીએ. જેઓ શાળાની વાત કરતા ન હતા તેઓને શાળામાં બેસાડવામાં આવ્યા હતા. અન્ય પક્ષોના નેતાઓ અમારી ભાષા બોલવા લાગ્યા છે. મેં નેતાઓને મુદ્દાઓ પર વાત કરવા દબાણ કર્યું છે. હું લોકોની ભાષા બોલું છું. હું શિક્ષણ, આરોગ્ય, રોજગારની વાત કરું છું. હું જનતાની વાત કરું છું, તેથી જ જનતા અમારી સાથે છે.


"ઈશુદાન ગઢવી એક સરસ અને પ્રમાણિક ચહેરો છે"


કેજરીવાલે વધુમાં કહ્યું કે મેં કોમન સિવિલ કોડનું સમર્થન કર્યું છે. ભાજપ કોમન સિવિલ કોડ લાવવા માંગતી નથી. ગુજરાતમાં AAPના સીએમ પદના ઉમેદવાર અંગે અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઇશુદાન ગઢવી સારો અને પ્રામાણિક ચહેરો છે. ખેડૂતો, બેરોજગારો, વેપારીઓના પ્રશ્નો ઉઠાવતા હતા.  ઇશુદાન ગઢવી લોકોમાં ખૂબ લોકપ્રિય છે. તેઓ ગુજરાતને ઉંચાઈએ લઈ જશે.