રાજ્યમાં કોરોનાના કેસમાં ભારે ઘટાડો નોંધાય રહ્યો છે. ત્યારે હવે લોકો હવે હિલ સ્ટેશન, પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો પર ફરવા માટે નીકળી પડ્યા છે. જેના કારણે રાજ્યના સાપુતારા, ગીર સાસણ, દ્વારકા, સોમનાથ સહિતના સ્થળો પર મોડી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે. પ્રવાસન અને ધાર્મિક સ્થળો પર ગેસ્ટ હાઉસથી રિસોર્ટ હાઉસફુલ થયા છે. લોકોમાં કોરોનાનો ડર ઓછો થતા હવે શોર્ટ ડેસ્ટિનેશન પર ફરવા જઈ રહ્યા છે. જ્યારે કેટલાક લોકો રાજસ્થાન, કેરળ, મનાલી સહિતના અન્ય રાજ્યોમાં જવાનું પસંદ કરી રહ્યાં છે.
ટુર ઓપરેટરોના જણાવ્યા અનુસાર ઘણા સમય પછી લોકો હવે પ્રવાસ કરવાનું મન બનાવી રહ્યાં છે. તેમાં ય હવે ડિસ્કાઉંટ ટુર પેકેજને લીધે ટુરિસ્ટો આકર્ષાઈ રહ્યાં છે. વિવિધ ટુર પેકેજોમાં 20 ટકા સુધી ડિસ્કાઉંટ આપવામાં આવી રહ્યું છે. જેમાં દિલ્લીથી મનાલીનું ટુર પેકેજ 35 હજારને બદલે 27 હજારમાં ઓફર કરાઈ રહ્યું છે.
અમદાવાદથી ઉદયપુર બે નાઈટ પેકેજ 16 હજારને બદલે 11 હજાર અપાઈ રહ્યું છે. જ્યારે ગુજરાતમાં સાતુપારા, ગીર સાસણમાં મોટા ભાગની રિસોર્ટ ફુલ થઈ ગયા છે. જ્યારે માઉંટ આબુ, ઉદયપુર, રાણકપુરમાં પણ ગુજરાતના પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે.
ઉદયપુરમાં 15 ઓગસ્ટ સુધી હોટલમાં બુકિંગ ફુલ થઈ ગયું છે. જો કે આપણે એક વાત એ ચોક્કસ યાદ રાખવી પડશે કે ફક્ત કોરોનાના કેસ ઓછા થયા છે. કોરોના સાવ ગયો નથી. એટલે લોકોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તે પણ જરૂરી છે.
ગુજરાતમાં કોરોના કેસ
ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં (Coronavirus Second Wave) નવા કેસમાં સ્ટેબલ થયા છે. રાજકોટ સહિત 3 શહેર અને અમદાવાદ સહિત 23 જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં 18 જૂનના રોજ કોરોનાના નવા 33 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 71 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.72 ટકા થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું છે.
અહીં ન નોંધાયો એક પણ કેસ
5 કોર્પોરેશન વિસ્તાર અને 10 જિલ્લામાં જ કોરોનાના નવા કેસ નોધાયા છે. વડોદરા શહેરમાં 5, અમદાવાદ શહેરમાં 4, સુરત શહેર અને તાપી જિલ્લામાં 4 કેસ નોંધાયા છે. બીજી વેવમાં રાજ્યમાં સતત એક સપ્તાહથી 50થી ઓછા કેસ નોઁધાયા છે. અગાઉ રાજ્યમાં 2020ની 12 એપ્રિલે 48 કેસ નોંધાયા હતા. અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, મહેસાણા, મહિસાગર, મોરબી, કચ્છ, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, સુરતમાં એક પણ કેસ નોંધાયો નથી.