છોટાઉદેપુર:  છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.  રાજપુરા ગામમાંથી અશ્વિન નદી પસાર થાય છે.  નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા અશ્વિન નદીમાં પૂર આવ્યું છે.  પૂરના કારણે રાજપુરા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થતાં 200થી વધુ લોકોની વસ્તી ધરાવતું ગામ સંપર્કવિહોણું બન્યું છે. પાણી ઉતર્યા બાદ ગ્રામજનો અવરજવર કરી શકશે. 


ક્વાંટ તાલુકાના નળવાંટ ગામ પાસેથી પણ અશ્વિન નદી પસાર થાય છે.  અહીં નદીના પાણી દરિયાના મોજાની જેમ ઉછળતા જોવા મળ્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ક્વાંટ તાલુકાની કરા નદીમાં પણ પૂર આવ્યું.  કરા નદી બે કાંઠે વહી રહી છે. ચોમાસું બેસતાં જ કરા નદીમાં પુષ્કળ પાણી આવતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. 


છોટાઉદેપુરની હેરણ નદીમાં પણ નવા નીર આવ્યા હતા. બોડેલી તાલુકાનો રાજવાસ ડેમ છલકાયો. રાજાશાહી વખતનો ડેમ છલકાતા આહ્લાદક દ્રશ્યો સર્જાયા. છોટાઉદેપુર જિલ્લાના કરાલી ગામે ડાયવર્ઝન ધોવાયું.  જેને લઈ રસ્તો બંધ થતાં 25 ગામોને અસર થઈ હતી. જાંબુઘોડા ગામમાં  2 કરોડના ખર્ચે સ્લેબ ડ્રેઈનનું કરાયું હતું નિર્માણ. હજુ તો લોકાર્પણ થાય પહેલાં જ સ્લેબ ડ્રેઈનનો એપ્રોચ બેસી જતાં ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠી છે. કડુલીમહુડી ગામ પાસે વરસાદને લઈ ડુંગર પરથી માટી રસ્તા પર ધસી આવી હતી.  જેને લઈ રોડ પર કાદવ-કીચડના થર જામતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા.  


હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


સૌરાષ્ટ્રમાં જળપ્રલય આવશે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવશે.  હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થયું છે. પરિણામે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે.


હવામાન વિભાગના મતે, આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. તેમાં પણ આગામી ત્રણ દિવસ તો મૂશળધાર વરસાદ વરસશે.  આજે જામનગર, દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, બોટાદ, સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી  કરાઈ છે. 


આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ વરસશે. 26 જૂને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, વડોદરા, અને છોટાઉદેપુર જિલ્લો થશે જળબંબાકાર. હવામાન વિભાગના અનુસાર, વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે.