વાપીની એક બેન્કના આસિસ્ટન્ટ મેનેજર દ્વારા જ ફ્રોડ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આસિસ્ટન્ટ મેનેજર દ્વારા ATM માંથી પૈસા ભરવાના બહાને પોતાના જ અંગત કાર્યો માટે વપરાશ કરતા હોય બેન્ક મેનેજર દ્વારા તપાસ કરતા આસિસ્ટન્ટ મેનેજરનો ભાંડો ફૂટ્યો હતો.આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા આસિસ્ટન્ટ મેનેજની ધરપકડ કરી વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ હતી.
વાપીમાં આવેલ એક જાણીતી બેન્કના મેનેજર દ્વારા બેંકનું લાખો રૂપિયાનું કરી નાખવામાં આવ્યું છે. વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઇન્ડિયન બેંકનો આસિસ્ટન્ટ મેનેજર આલોક કુમાર દ્વારા આ ફ્રોડ કરવામાં આવ્યું છે. આસિસ્ટન્ટ મેનેજર આલોક કુમારને બેંક મોટો પગાર આપતી અને સમાજમાં તેની ઈજ્જત પણ ખૂબ હતી. પણ તાત્કાલિક અમીર થવા માટે બેન્ક મેનેજર આલોક કુમારે ગુનાનો રસ્તો અપનાવ્યો હતો. જેના કારણે આજે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. તેની કરતૂતની વાત કરીએ તો વાપીના ઇન્ડિયન બેંકના મેનેજર આલોકકુમારની જવાબદારી ATMમાંથી રૂપિયા જમા કરવાની હતી. ગ્રાહકોને સરળતાથી એટીએમમાંથી પૈસા મળી રહે તે માટે ઇન્ડિયન બેંકના પરિસરમાં જ એક એટીએમ મશીન રાખવામાં આવ્યું છે. આ એટીએમ મશીનમાં સમયસર પૈસા જમા કરાવવાની જવાબદારી આલોક કુમારની હતી.
આ એટીએમનો પાસવર્ડ પણ માત્ર આલોકકુમાર પાસે હતો. તેમ છતાં આલોકકુમાર કટકે કટકે રૂપિયા ૧૫ લાખથી વધુની રકમનુ ફ્રોડ કર્યું છે. વાપીની આ ઇન્ડિયન બેંકના આસિસ્ટન્ટ મેનેજર આલોક કુમારની જવાબદારી હતી કે એટીએમમાં સમયસર રૂપિયા જમા કરાવે અને તેનો હિસાબ બેંકને દરરોજ આપે. શરૂઆતના સમયમાં બેંક મેનેજરે ઈમાનદારીથી રૂપિયા એટીએમમાં જમા કરાવ્યા હતા પરંતુ સમય જતા લાલચ આવતા આ આસિસ્ટન્ટ બેંક મેનેજર આલોક કુમારે નાની નાની રકમ એટીએમ ના પાસવર્ડ વડે પોતે જ ઉપાડવાનું શરૂ કર્યું હતું. બેંકમાં જ્યારે હિસાબમાં ગરબડ ચાલુ થઈ ત્યારે બેંકના સત્તાઘીશોને શંકા ગઈ હતી. બાદમાં એટીએમમાં રાખવામાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવતા બેંકના આસિસ્ટન્ટ મેનેજર આલોકકુમારની ચોરી ઝડપાઈ ગઈ હતી. જેને લઈને બેંક દ્વારા વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
વાપી જીઆઇડીસી પોલીસે ઇન્ડિયન બેંકના મેનેજર આસિસ્ટન્ટ મેનેજર આલોક કુમારની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપીએ તમામ 15 લાખથી વધારે રૂપિયા ક્યાં વાપર્યા છે. તે મામલે પણ તપાસ હાથ ધરી છે. તો તેના આ કૌભાંડમાં બેંકના કોઈ અન્ય કર્મચારીઓ સામેલ છે કે નહીં તે અંગે પણ વાપી જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. સૌથી અગત્યની વાત એ છે કે આસિસ્ટન્ટ મેનેજર આલોકકુમારનો પગાર ખૂબ સારો હતો. તેમ છતાં પણ જે બેંકે તેને ઈજ્જતની સાથે સારો પગાર આપ્યો તે બેંકમાં જ આલોક કુમારે ગદ્દારી કરી અને બેંકને લાખો રૂપિયાનો ચૂનો ચોપડવાનો પ્રયાસ કર્યો છે.