પાટણ :  હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે.   બપોર બાદ એકા-એક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા.   હારીજમાં ફરી એકવાર કમોસમી માવઠાની શરૂઆત થઈ છે.   હારીજ, કુકરાણા, બોરતવાડા, સાપ્રા સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું છે.   ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું છે.  


પાટણમાં પણ હળવા પવન સાથે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે.  દિવસભરના ઉકળાટ બાદ હારીજમાં વરસાદના આગમનને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.       


આ તારીખ પછી વાવણી કરવા અંબાલાલ પટેલની સલાહ


હવામાન નિષ્ણાંત અંબાલાલા પટેલે એબીપી અસ્મિતા સાથે વાત કરતા ખેડૂતોને 15 જૂન પછી વાવણી કરવાની સલાહ આપી છે.  અંબાલાલ પટેલના મતે અંદામાન- નિકોબારમાં ચક્રવાત ઉભુ થતા કેરળમાં ચોમાસુ મોડુ આવશે.  કેરળમાં 5થી 15 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થાય તેવી શક્યતા છે.  અંદામાન- નિકોબારમાં જ ચોમાસાની ગતિ નબળી છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસુ બેસી ગયાના 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસુ બેસે છે.  એટલે જો કેરળમાં મોડુ બેસે તો ગુજરાતમાં પણ ચોમાસુ મોડુ થઈ શકે છે. 


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ છે કે  15 જૂન બાદ વાવણી કરવી વધુ હિતાવહ છે.  15 જૂનથી 8 ઓગસ્ટ દરમિયાન પ્રમાણમાં સારો વરસાદ થવાની શક્યતા છે. 8 ઓગસ્ટ  બાદ વરસાદનુ જોર ઘટી શકે છે. 


મીની વાવાઝોડા સાથે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગના અનુસાર ગુજરાતમાં  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેને લઈ 30 મે સુધી ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે.


ચાર દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી


રાજ્યમાં આગામી ચાર દિવસ ગાજવીજ સાથે કમોસમી વરરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં તેમજ  કચ્છમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરી છે.  આજે અમરેલી, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.   આવતીકાલે અમરેલી, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં જ્યારે 30 મેના કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદનું અનુમાન છે.