Gujarat Rain: જૂનાગઢ જિલ્લામાં વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. માણાવદર તાલુકાના ઘેડ વિસ્તારના ગામડાઓમાં પાણી ઘૂસ્યા છે. ઘેડ વિસ્તારમાં આવેલા મટીયાણા સહિતના ગામડાઓમાં એકથી દોઢ ફૂટ સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા છે. મટીયાણા ગામના પાદરમાં ચારે કોર પાણી ફરી વળ્યું છે. ભાદર નદીનું અને ઓજત નદીનું પાણી છોડવામાં આવતા ઘેડમા ફરી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 




તો બીજી તરફ ઘેડ વિસ્તારના પંચાળા ગામે abp asmitaની ટીમ પહોંચી હતી. ઘેડ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત ઘેડ વિસ્તારનું સૌથી મોટું ગામ બાલાગામ સંપર્ક વિહોણું બન્યું છે. 20,000 જેટલી વસ્તી ધરાવતું બાલાગામ આજે સવારથી સંપર્ક વિહોણું બન્યું છે. પંચાળા ગામથી બાલાગામ જવાનો રસ્તો બંધ થયો છે. પંચાળા ગામની ફરતે પાણી જોવા મળી રહ્યું છે.


 



જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે મોટાભાગના ડેમ ઓવરફ્લો થઈ જવા પામ્યા છે. ત્યારે વંથલીનો ઓઝત  વીયર ડેમ માં પણ નવા નીરની આવક થઈ હતી. જે અંતર્ગત ડેમની આસપાસના વિસ્તારમા અવર જવરની મનાઈ ફરમાવાઈ છે. આ ઉપરાંત ઘેડ પંથકના તમામ ગામને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મહત્વનું  છે કે ઓજસ ડેમનું પાણી ઘેડ પંથકમાં જમા થતુ હોય  તેને લઈને  ઘેડ પંથકમાં પાણી જમા થવાની સમસ્યા દર વખતે સર્જાય છે. વંથલીમાં ગઈકાલ રાત અને વહેલી સવારે ભારે વરસાદ પડ્યો હતો.


માંગરોળ પંથકમાં બારે મેઘ ખાંગા


માંગરોળ પંથકમાં ગયકાલે બાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને ફરી ગત મોડીરાત્રે માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ શરૂઆત થઇ હતી જેથી માંગરોળ પંથકમાં ચારેબાજુ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ ભારે વરસાદના કારણે લોકોનાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે.આ ઉપરાંત ખેડૂતોના ખેતરોના ધોવાણ થયા છે. ખેડુતોને મગફળીના વાવેતરમાં ભારે નુકસાની થવાની શક્યતા શેવાઇ રહી છે.


 હાલ તો માંગરોળનાં ઘેડ પંથકમાં ફરી એકવાર જળ પ્રલયની પરિસ્થિતિ સર્જાઈ છે. ઘેડ પંથકના લોકોનાં ઘરોમાં કમરડુબ પાણી ભરાયાં છે. જેના કારણે માંગરોળ પંથકમાં ખેડુતો તેમજ લોકોની પરિસ્થિતિ દયનીય બની છે. ઘેડ પંથકમાં મકાનો બેટમાં ફેરવાયા છે તેવા પણ દ્ગશ્યો સામે આવ્યા છે. લોકોના રહેવા માટેનાં મકાનો પાણીમાં ડુબી ગયા હોવાથી બીજાનાં ઘરે આસરો લેવા મજબૂર બન્યા છે. આ ઉપરાંત લોકોનાં ઘરોમાં પાણી ભરાતા ફુલરામા ઘેડ ગામના લોકોએ પોતાનો માલ સામાન ઘરવખરી પલળે નહી તે માટે ઘરોમાં પથ્થરો રાખી તેમનાં ઉપર ખાટલાઓ રાખી જિંદગી જીવવા મજબૂર બન્યા છે. પાણી ઘરોમાં ઘૂસતા મોટી નુકસાની વેઠવી પડી છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial