બનાસકાંઠા: અપહરણ અને હત્યાના વધતા જતા ગુના રોકવા બનાસકાંઠા કલેકટરે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જિલ્લામાં સવારે 7 વાગ્યાં પહેલા અને રાત્રે 8 વાગ્યાં બાદ ટ્યુશન ક્લાસીસ ચાલુ ન રાખવા કલેકટરે આદેશ કર્યા છે. છાત્રોની એકલતાનો લાભ લઈ અપહરણ તેમજ હત્યા જેવા ગુના રોકવા આ પ્રયાસ કરવામાં આવ્યો છે. 10 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી જાહેરનામાનો અમલ કરવા જિલ્લા કલેકટરે સૂચન કર્યું છે. જાહેરનામાનો ભંગ કરનાર ટ્યુશન સંચાલક સામે ગુનો નોંધાશે.
જીવલેણ દોરીથી લોકોના જીવ બચાવવા ઓવરબ્રિજ પર તૈનાત થઈ સુરત પોલીસ
Uttarayan Festival 2023: ઉત્તરાયણના તહેવારને લઈને સમગ્ર ગુજરાતમાં પતંગરસીયાઓ હવામાં પતંગના દાવપેંચ લગાવી રહ્યા છે. તો બીજી તરફ ચાઈનીઝ દોરીથી લોકોના જીવ બચાવવા સુરત પોલીસના જવાનો ઓવરબ્રિજ પર તૈનાત થઈ ગયા છે. સુરત શહેરના તમામ ઓવર બ્રિજ પર પોલીસ તહેનાત કરવામાં આવી છે. આજે ઉત્તરાયણ પર્વને લઇ લોકોના જીવ બચાવવા સુરત પોલીસ રોડ પર ગોઠવાઈ છે. કાતિલ દોરીથી લોકોના જીવ બચાવવા માટે પોલીસ લોકોની સેવામાં હાજર છે. તો બીજી તરફ સુરત શહેરના તમામ ઓવરબ્રિજ પર ટુ-વ્હિલરને નો-એન્ટ્રી કરવામાં આવી છે. બે દિવસ આજે અને આવતીકાલ માટે સુરત શહેરના તમામ ઓવરબ્રિજ પર ટુ-વ્હિલરની અવર-જવર પર પ્રતિબંધ રહેશે. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પરિપત્ર જાહેર કરાયો છે.
દાન પૂજા અને રંગીન પતંગો સાથે સંક્રાંતિની ઉત્સાહભેર ઉજવણી
મકરસંક્રાંતિના દિવસે, સૂર્ય ભગવાન દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ વળે છે. આ દિવસથી કમુરતા સમાપ્ત થશે અને લગ્ન, ગૃહ પ્રવેશ વગેરે જેવા શુભ કાર્યોની શરૂઆત થશે. જ્યારે સૂર્ય ઉત્તરાયણમાં હોય છે. ત્યારે દિવસનો સમયગાળો ધીમે ધીમે વધે છે. શિયાળો ઓછો થવા લાગે છે અને તાપમાન વધવા લાગે શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિના સમયે કરેલ પવિત્ર નદીઓમાં સ્નાનથી સૂર્ય મંત્ર કે ગાયત્રી મંત્ર જાપથી તેમજ પૂજનથી તથા દાન-પુણ્યથી અનેક પ્રકારના રોગો અને ઋણમાંથી મુક્તિ મળે છે. તેમજ ભગવાન સૂર્યનારાયણની કૃપાથી આત્મ બળની સાથે શારીરિક માનસિક તેમજ આધ્યાત્મિક બળ મળે છે. સમાજમાં યસ, પ્રતિષ્ઠા, સુખ સમૃદ્ધિ અને સંતતિની પ્રાપ્તિ થાય છે, માટે જ મકરસંક્રાંતિનો આટલો વિશેષ મહિમા છે.
ઉત્તરાયણમાં આજે પવનની કેટલી રહેશે ગતિ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. 2 થી 6 ડિગ્રી તાપમાન ઘટશે. ઉત્તરાયણે સારો પવન રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું, આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડી રહેશે. આગામી 2 દિવસ ઠંડી વધવાની શક્યતા છે. આવતીકાલે રાજ્યમાં 2 થી 6 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. ઉત્તરાયણ પર પવન સારો રહેશે. પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. આવતીકાલે ઉતર પૂર્વ દિશા તરફથી પવન રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં રાજ્યમાં ઠંડી જામશે. સવારે અને સાંજે તાપમાનમાં થોડો ફેરફાર જોવા મળશે, બપોરના સમયે પવનની ગતિ થોડી ઓછી થઈ શકે છે. રાજ્યમાં આજથી ફરી ઠંડીનો વધુ એક રાઉન્ડનો પ્રારંભ શરૂ થયો છે. આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાન સામાન્ય કરતા ત્રણથી છ ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુરૂવારે રાત્રે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો અને મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી વધારે હતુ. કચ્છમાં 14 અને 15 જાન્યુઆરીએ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.