બનાસકાંઠા: ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ગુજરાતના અમદાવાદ, વડોદરા, રાજકોટ સુરતમાં નાઇટ કરફ્યૂનો 17મી માર્ચથી રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. આગામી 31મી માર્ચ સુધી આ નાઇટ કર્ફ્યૂ અમલી રહેશે. આ દરમિયાન દિયોદર શહેરમાં ફરી એક વખત બંધ જેવા દ્રશ્યો સામે આવ્યા હતા.


માત્ર મેડિકલ સુવિધા જ શરૂ રહી


દિયોદરમાં રામજી મંદિરના પ્રતિષ્ઠાની વર્ષીની દિવસે નગરજનોએ ધંધા રોજગાર સ્વેચ્છાએ બંધ રાખ્યા હતા. લોકોએ આરોગ્યની ચિંતા કરી હતી અને નગરજનોએ ઘરે રહી સંદેશ આપ્યો હતો. આ દરમિયાન માત્ર મેડિકલ સુવિધા જ ઉપલબ્ધ રહી હતી. દિયોદર શહેર સંયુકત બંધ પાળી એક ઉત્સવ ઉજવ્યો હતો.
ગ્રામપંચાયતના સરપંચ દ્વારા નગરજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


કોરોનાનું સંક્રમણ અટકાવવા મનપા કમિશ્નરને આપી સત્તા


ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે રાજ્યના મહાનગરોમાં વકરી રહેલા કોરોનાને લઈને ગુજરાતની રૂપાણી સરકારે મોટો નિર્ણય લીધો છે અને જે તે શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જરૂરી પગલા ભરવાની સત્તા મનપા કમિશ્નરોને આપવામાં આવી છે.


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નાઇટ કર્ફ્યૂની મુદત ગઈ કાલે પૂરી થઈ ગઈ છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળનારી હાઇપાવર કમિટીની મીટિંગમાં નાઇટ કર્ફ્યૂ અંગે નિર્ણય લેવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, કોઈ કારણસર કમનસીબે ગુજરાતમાં ફરીથી કોરોનાના કેસો વધી રહ્યા છે. શહેરોનાં કમિશ્નરોને સૂચના આપી છે, પોતાના શહેરનાં નિર્ણયો કમિશ્નરો લઇ શકે છે. આજે ગ્રૂપની બેઠકમાં કર્ફ્યૂ અંગે કયો સમય રાખવો, કેટલો સમય રાખવો, કયા વિસ્તારોમાં રાખવો, બીજા શું પગલા લેવા તે અંગેનો નિર્ણય સાંજ સુધીમાં લેવામાં આવશે.


રાજ્યમાં કોરોનાની શું છે સ્થિતિ


ગઈકાલે રાજ્યમાં કોરોનાના 890  નવા કેસ નોંધાયા હતા જ્યારે 594  લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક મૃત્યુ થયું છે. સુરત કોર્પોરેશનમાં 1 મોત થયું છે.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4425 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,69,955 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.72 ટકા પર પહોંચ્યો છે. હાલ 4717  એક્ટિવ કેસ છે, જેમાંથી 56 લોકો વેન્ટિલેટર પર અને 4661  લોકો સ્ટેબલ છે.