Palanpur: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીનો મુદ્દો ફરી એકવાર ઉઠ્યો છે. આ વખતે લોકોએ જ સ્વજાગૃતિ બતાવી છે. જિલ્લાના પાલનપુરની છાપરા ગ્રામ પંચાયતે દારૂબંધી અંગે મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. જો ગામમાં દારૂના કેસમાં કોઇ પકડાશે તો તેને ગ્રામ પંચાયતની કોઇપણ સેવા નહીં મળે. ગામમાં દારૂ વેચવા અને પીવા બન્ને પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
રાજ્યમાં તો અત્યારે દારૂબંધીનો કાયદો નિષ્ફળ જતો સ્પષ્ટરીતે દેખાઇ રહ્યો છે. સરકાર વાતો કરે છે દારૂબંધીને પરંતુ અઢળક દારૂ ગુજરાતમાં વેચાઇ રહ્યો છે. પરંતુ હવે આ બધાની વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં એક ગ્રામ પંચાયતે ઐતિહાસિક નિર્ણય લઇને બધાને ચોંકાવી દીધા છે. માહિતી પ્રમાણે, દારૂબંધીને અમલ કરાવવા માટે પાલનપુરની છાપરા ગ્રામ પંચાયતે મોટુ ઉદાહરણ પુરુ પાડ્યુ છે. હવેથી છાપરા ગામમાં જો કોઇ દારૂના કેસમાં પકડાશે તે તેને છાપરા ગ્રામ પંચાયતની કોઇપણ સેવા નહીં મળે. આરોપી દારૂના કેસમાં ફસાસે તો તમામ સેવાઓ દૂર કરવામાં આવશે. ગામમાં દારૂ વેચવા અને દારૂ પીવા બન્ને પર ગામ લોકોએ કડક પ્રતિબંધ લગાવ્યો છે.
આ પહેલા લાખણીમાં ગામલોકો કરી હતી દારૂબંધી - આ પહેલા બનાસકાંઠા જિલ્લાના લાખણીના ડેરા ગામમાં લોકોએ સ્વયંભૂ દારૂબંધીનો નિર્ણય લીધો હતો. ગામમાંથી દારૂના દૂષણને ડામવા માટે લોકો આગળ આવ્યા હતા. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે છતાં કાયદાનો અમલ નહીં થતાં ગામ લોકોએ જાતે જ ગામમાં દારૂબંધી કરી દીધી હતી. કાયદાનો અમલ નહીં થતાં બનાસકાંઠામાં સરકારની દારૂબંધી પર અનેક સવાલો ઉભા થયા હતા. લાખણીના ડેરા ગામના લોકોએ એકજૂટ થઈને દારૂબંધીનો નિર્ણય લીધો હતો. ગામમાં હવેથી દારુ વેચવા, પીવા કે બનાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ગામમાં દારૂનું વેચાણ કરનારા અને દારુ પીનારા લોકોનો બહિષ્કાર કરવામાં આવશે. આ પ્રકારના માણસોના ઘરના કોઈપણ પ્રસંગે ગામનો એક પણ માણસ હાજર નહીં રહે. જો કોઈ વ્યક્તિ દારૂનું વેચાણ કે દારૂ પીવાનું કાર્ય કરશે તો ગામ લોકો તે પરિવારનો બહિષ્કાર કરવામાં આવશે. ગામ લોકોએ સ્વયંભુ સાથે મળી દારૂના દુષણને ડામવા નિર્ણય કર્યો હતો.