Banaskantha Rain News: ગુજરાતમાં વરસાદી માહોલ ફરી એકવાર જામ્યો છે. જુલાઇના અંત અને ઓગસ્ટની શરૂઆતમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં ઠેર ઠેર વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, આગામી ચાર દિવસોમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ પહેલા જ ગઇકાલથી જ સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ ગઇ છે. આમાં સૌથી વધુ વડગામમાં 7.52 ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. 

ગુજરાતમાં વરસાદી સિસ્ટમની અસરથી ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ગઇકાલથી ભારે વરસાદની શરૂઆત થઇ ગઇ છે. બનાસકાંઠામાં સૌથી વધુ વરસાદ વડગામમાં ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના વડગામમાં સૌથી વધુ 7.52 ઈંચ વરસાદ પડ્યો છે. વડગામ ઉપરાંત દાંતીવાડા, પાલનપુર, ડીસા, ધાનેરા, લાખણી, દીયોદર, કાંકરેજ, ડીસામાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી છે. વડાગામમાં પડેલા ભારે વરસાદના કારણે પાલનપુર-અમદાવાદ હાઈવે જામ થયો છે, અહીં પાણી ભરાયા હોવાથી વાહનવ્યવહાર ઠપ્પ થયો છે. ગઠામણ પાટીયા નજીક પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. આ ઉપરાંત ધાનેરાથી સાચોરને જોડતા નેશનલ હાઈવે નંબર 168 પર ભરાયા પાણી છે.

આજે રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટઆજના દિવસ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સાથે અત્યંત ભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદરાજ્યના પાટનગર અમદાવાદમાં પણ આજે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી લઈને ભારે વરસાદ નોંધાયો હતો. શહેરના સાયન્સ સિટી, ગોતા, સોલા, એસજી હાઈવે, કેશવબાગ, આંબાવાડી, IIM વિસ્તાર, રાણીપ, વંદે માતરમ, અખબારનગર, વાડજ, શ્યામલ અને સેટેલાઇટ જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જેના કારણે ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી હતી. જોકે, કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા.

સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદસાબરકાંઠા જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. હિંમતનગર અને વડાલી પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. હિંમતનગરના હડિયોલ, ગઢોડા, બેરણા અને કાંકણોલ સહિતના ગામડાઓમાં પણ સારો વરસાદ વરસ્યો હતો, જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.